Western Times News

Gujarati News

બિહારમાં ટ્રેન રોકી દેવાઈ રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ

નવી દિલ્હી, એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (૨૧ ઓગસ્ટ) ૧૪ કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે.

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે.

તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે.

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટની ૭ જજની બેન્ચના નિર્ણયના વિરોધમાં છે. સંગઠનનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય સીમાચિહ્નરૂપ ઈન્દિરા સાહની કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચના અગાઉના નિર્ણયને નબળો પાડે છે, જેણે ભારતમાં અનામત માટે માળખું સ્થાપિત કર્યું હતું.

હાલના નિર્ણયથી એસસી-એસટીના બંધારણીય અધિકારો પર ખતરો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે (૧ ઓગસ્ટ) આ સંદર્ભમાં મોટો નિર્ણય સંભળાવ્યો હતો. રાજ્ય સરકારો હવે અનુસૂચિત જાતિ એટલે કે એસસી ને અનામતમાં ક્વોટા આપી શકશે. કોર્ટે પોતાના જ ૨૦ વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો હતો.

ત્યારે કોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિઓ પોતાનામાં એક જૂથ છે, તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વધુ વિભાજન કરી શકાય નહીં. કોર્ટે પોતાના નવા નિર્ણયમાં રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારો મનસ્વી રીતે નિર્ણય લઈ શકે નહીં.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ૭ જજોની બંધારણીય બેંચનો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિને તેમાં સમાવિષ્ટ જાતિઓના આધારે વિભાજીત કરવી બંધારણની કલમ ૩૪૧ની વિરુદ્ધ નથી. અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે પણ રાજસ્થાનમાં બંધને સમર્થન આપ્યું છે.

જિલ્લા કલેક્ટરે રાજ્યના ૧૬ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી છે. એસસી-એસટીઅનામતમાં વર્ગીકરણના નિર્ણય વિરુદ્ધ ભારત બંધની મધ્યપ્રદેશમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. ગ્વાલિયરની ઘણી સ્કૂલોએ આજે રજા જાહેર કરી છે. ગ્વાલિયર કલેક્ટરે મંગળવાર રાતથી જ કલમ ૧૪૪ના આદેશનો અમલ કર્યાે હતો. ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈન સહિત અનેક જિલ્લાઓમાં સ્કૂલો ચાલુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.