Western Times News

Gujarati News

૧,૯૫૨ કરોડની સહાયથી રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પૂર્ણ કરાયા

પ્રતિકાત્મક

આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને “હાઉસિંગ ફોર ઓલ”  હેઠળ આવાસો આપવા સરકારનો નિર્ધાર : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે

ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ,વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ કર્યો છે.

આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

મંત્રી શ્રી ઉમેર્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨ લાખ મળી કુલ રૂ. ૩.૫૦ લાખની સહાય ત્રણ તબક્કામાં ડી.બી.ટીના માધ્યમથી સીધા લાભાર્થીઓ ના ખાતામાં જમા કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ૯.૭૮ લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી ૮.૬૩ લાખ આવાસો પૂર્ણ કર્યા છે જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૬.૧૩ લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે. જે માટે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતને આ માટે 14 એવોર્ડ પણ મળ્યા છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ ૧,૫૬,૯૭૮ આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી ૧,૨૦,૫૯૪ આવાસો પૂર્ણ થયા છે અને ૩૬,૩૮૪ આવાસો પ્રગતિ હેઠળ છે. આ માટે કેન્દ્ર સરકારના રૂ. ૧,૯૩૮ કરોડ અને રાજ્ય સરકારના રૂ.૨,૬૫૬ કરોડ મળી કુલ રૂ. ૪,૫૯૫ કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવનાર ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.