Western Times News

Gujarati News

સહકારી બેંકોમાં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા

અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે ૨૨ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં ૬૫૦૦ કરોડની માતબર રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

મંત્રી વિશ્વકર્માએ ડીસાના ધારાસભ્યપ્રવિણ માળીના પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી. જે હેઠળ એપ્રિલ ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ સુધીમાં બનાસકાંઠામાં કુલ ૬૧૬ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલવામાં આવ્યા છે.

આ પાયલોટ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં એક વર્ષમાં અંદાજે ૪ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે

જેમાં ૧૨૦૦ કરોડ ડિપોઝિટ જમા થઈ છે. મંત્રી વિશ્વકર્માએ પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં ગૃહમાં કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના તમામ ગામોમાં બેન્કિંગ સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગામે ગામ ‘બેંક મિત્ર’ બનાવી તેમના માધ્યમથી ‘માઈક્રો એટીએમ’ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.