Western Times News

Gujarati News

કિન્નરે સંબંધ તોડી નાખતા પ્રેમીએ અપહરણ કરી એસિડ એટેક કર્યો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ખોખરામાં રહેતી કિન્નરના પૂર્વ પ્રેમી અને તેના બે મિત્રોએ ભેગા મળીને કિન્નરને માર મારીને તેની પર એસીડના ટીપાં નાંખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગત ૨૦ ઓગસ્ટના રાત્રીના સમયે કિન્નરના ઘરે તેનો પ્રેમી આવ્યો અને ફોસલાવીને પોતાની જોડે લઈ ગયો હતો.

બાદમાં જશોદાનગર ચાર રસ્તા પાસે અગાઉથી ઉભેલી ગાડીમાં કિન્નરને બેસાડીને શહેરકોટડા વિસ્તારમાં આવેલા પુષ્કર ઈન્ડસ્ટ્રીઝ લઈ જઈને આખી રાત મારઝૂડ કરી અને સોનાની વીંટી તથા ત્રણ હજાર રૂપિયા કિન્નર પાસે હતા તે લૂંટી લીધા હતા. આ મામલે કિન્નરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ખોખરામાં રહેતી કિન્નર (પાવૈયા) તેના માતા પિતા અને ભાઈ સાથે રહે છે. થોડા વર્ષો અગાઉ શહેરકોટડામાં પીકર્સની ચાલીમાં રહેતા હિતેશ પરમાર નામના યુવક સાથે કિન્નરના પ્રેમ સંબંધ હતા.

પરંતુ થોડા સમય બાદ કિન્નરને માલુમ થયું હતું કે હિતેશ દારુનો ધંધો કરે છે જેથી કિન્નરે તેની સાથેના તમામ સંબંધ પુરા કરી દીધા હતા. ગત ૧૯ ઓગસ્ટના મોડી રાત્રે હિતેશ તેના બે મિત્રો સાથે કિન્નરના ઘરે આવીને ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ ગત ૨૦ ઓગસ્ટની મોડી રાત્રે પણ પ્રેમી હિતેશ કિન્નરના ઘરે આવ્યો અને માથાકૂટ કરવા લાગ્યો હતો અને હું તને ભૂલી નથી શકતો તુ મારી સાથે થોડો સમય વિતાવ તેમ કહેવા લાગ્યો હતો. તેથી કિન્નર હિતેશની સાથે જશોદાનગર ગઈ હતી જ્યાં અગાઉથી એક ફોર વ્હીલ ગાડી ઉભી હતી

તેમાં હિતેશના બે મિત્રો વિશાલ પરમાર અને ઘેટીયો હતા. ફરિયાદીને ગાડીમાં બેસાતાની સાથે જ તેની સાથે મારામારી કરવાનું શરુ કર્યું અને ગાડી હંકારી મૂકીને શહેરકોટડામાં આવેલા પુષ્કર ઈન્ડસ્ટ્રીઝમાં પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે પુષ્કર ઈન્ડસ્ટ્રીઝમાં આખી રાત કિન્નરને ગોંધી રાખી અને તેની સાથે મારઝૂડ પણ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હિતેશે એસીડ ભરેલી બોટલ લઈને આવ્યો અને તેના મોઢા પર છાંટવા જતો હતો આ સમયે કિન્નરે હાથ લાવતા એસીડના છાંટા તેના પેટ તથા શરીરના અન્ય ભાગ પર પડ્યા હતા.

એસિડના છાંટા પડતાની સાથે કિન્નર બુમાબુમ કરવા લાગી હતી. આ મ્સ્યે હિતેશ, વિશાલ તથા ઘેટીયાએ કિન્નર ઋતુ દેને માર મારીને તેની પાસે રહેલા રોકડા રૂપિયા ત્રણ હજાર તથા સોનાની વીંટી લૂંટી લીધા હતા. ત્યારબાદ ત્રણેય કિન્નરને પોલીસમાં ફરિયાદ નહી કરવાની શરતે છોડી મૂકી હતી. બાદમાં તેના પરિવારને જાણ કરી બીજી બાજુ સારવાર લીધા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ખોખરા પોલીસે હિતેશ પરમાર, વિશાલ તથા ઘેટિયા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.