Western Times News

Gujarati News

બાળકોની કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે

હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે પસંદ કરાયા છે.

(એજન્સી)ગાંધીનગર, વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી. જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જેથી હવે બાળકોના માતા-પિતાને એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના ૯૦ ટકા અને વાલી દ્વારા ૧૦ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું.

હાલ રાજ્યમાં ૧૩૬૫ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસસર કીટ બદલવા માટે પસંદ કરાયા છે. જે પૈકી ચાલુ વર્ષે ૭૦૦ જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્ષ્ટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઇ આવી છે. જેમાં એસેસમેન્ટ, ફીટીંગ અને મેપીંગ કેપેસીટીનો સમાવેશ થાય છે. એક બાળકદીઠ અંદાજીત ૫ લાખનો ખર્ચ થશે.

આમ અંદાજીત ૩૫ કરોડના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યના ૩૧૬૩ જેટલા બાળકોની ૨૨૧ કરોડના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સર્જરી કરાય છે જેનો અંદાજીત ખર્ચ ૭ લાખ છે. આ ઇમ્પ્લાન્ટમાં વપરાતા પ્રોસેસર સમય જતા, ટેકનોલોજી એડવાન્સ થતા, અપગ્રેડ થતા, ટેકનોલોજી અપડેટ થતા કેટલાક કિસ્સામાં બદલવાની જરૂર રહે છે.

વધુમાં કેટલાક કિસ્સામાં ખોવાઇ જાય, તૂટી જાવાના કારણે પણ બાળક પોતાની શ્રવણ શક્તિ ફરી ગુમાવી ન બેસે તે માટે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ બાળકને ૧૦૦ સ્પીચ થેરાપીના સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે.

સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ બાળ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ,એસ.ટી. ના ભાવ મુજબ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.