સાણંદના રૂપાવટી ગામે ખેતરમાં ફસાયેલા ૧૫૦થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા
વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર-વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ–ઢોર અને ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ
રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સમગ્ર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે.
ગતરાત્રીએ અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે ત્યારે સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના ૧૫૦થી વધુ નાગરિકો ફસાયા હતા. રૂપાવટી ગામના તલાટી શ્રી કે.સી. બરંડા અને તેમની ટીમ દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.
વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો નાગરિકોએ આભાર માન્યો હતો. ત્યારબાદ તેઓ તેમને વતન ધાંગધ્રા તરફ રવાના થયા હતા.