Western Times News

Gujarati News

બ્રાઝિલના એરપોર્ટ ઉપર સેંકડો ભારતીયો ફસાઈ ગયા

સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર લોકો બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે

(એજન્સી)બ્રાઝિલ, બ્રાઝિલના શહેર સાઓ પાઉલોના એરપોર્ટ પર લગભગ ૬૦૦થી વધારે એશિયનો ફસાઈ ગયા છે જેમાં ઘણા બધા ભારતીયો પણ છે. આ બધા માઈગ્રેશન કરીને બ્રાઝિલ આવ્યા છે અને વિઝા વગર બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. આ રીતે કેટલાક અઠવાડિયા વીતી ગયા છે. સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર વિઝા વિના બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે તેવું ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું છે.

આ લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને એરપોર્ટના ફ્લોર પર સુઈ રહે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ એશિયનો પાસે પાણી કે ફૂડની પણ વ્યવસ્થા નથી. તેમાં ભારતીયો, નેપાળ અને વિયેતનામના લોકો સામેલ છે અને તેમની પાસે બ્રાઝિલમાં એન્ટ્રી કરવાના વિઝા નથી. સોમવારથી બ્રાઝિલ કેટલાક એશિયન માઈગ્રન્ટ પર વિઝાના નિયંત્રણો લાદવાના છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, ઓછામાં ઓછા ૬૬૬ એશિયન માઈગ્રન્ટ બ્રાઝિલના સાઓ પાઉલોના એરપોર્ટ પર આવી ગયા છે અને તેમને અહીં એન્ટ્રી નથી મળતી.

પબ્લિક ડિફેન્ડર આૅફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માઈગ્રન્ટ તરીકે આવેલા સેંકડો એશિયનો પ્રતિબંધિત વિસ્તારમાં રહે છે જ્યાં ખોરાક અને પાણીની કોઈ ઍક્સેસ નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને પણ ધાબળાની સુવિધા નથી મળી. એરપોર્ટ કેટલા માઈગ્રન્ટની તબિયત પણ બગડી રહી છે. બે સપ્તાહ અગાઉ ઘાનાથી આવેલી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ મૃત્યુ એરપોર્ટ પર અટકાયતમાં કરવામાં આવ્યું હતું અથવા હોસ્પિટલના માર્ગે થયું હતું તે સ્પષ્ટ નથી.

શરણાર્થીઓને સ્વીકારવા અને તેમને તેમના મૂળ દેશમાં પાછા ન મોકલવા માટે બ્રાઝિલને માનવતાના ધોરણે વિનંતી કરવામાં આવી છે. બ્રાઝિલ સોમવારથી યુએસ અને કેનેડામાં માઈગ્રેશન કરવાના પ્રયાસમાં દેશમાં આશ્રય મેળવી રહેલા કેટલાક એશિયનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરશે. આ પગલાથી એશિયન માઈગ્રન્ટ્‌સને અસર થશે જેમને બ્રાઝિલમાં રહેવા માટે વિઝાની જરૂર છે.

માઈગ્રન્ટ કરનારાઓ સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેઓવર સાથે અન્ય સ્થળોની ટિકિટ બુક કરે છે. પરંતુ તેઓ બ્રાઝિલ પહોંચીને તેમની મુસાફરી આગળ નથી વધારતા અને આશ્રય માટે વિનંતી કરવા બ્રાઝિલમાં રોકાઈ જાય છે.

યુ.એસ. અને કેનેડામાં ઘૂસણખોરી કરવી હોય ત્યારે તેઓ સાઓ પાઉલોને પસંદ કરે છે અને તે અનુકુળ સ્ટોપ ઓવર બની રહે છે. બ્રાઝિલની શરણાર્થી સમિતિના વડા જીન યુએમાએ જણાવ્યું હતું કે સાઓ પાઉલો એરપોર્ટ પર નિયમો ખાસ કરીને લાગુ થશે અને આશ્રય શોધનારાઓ માટે બ્રાઝિલની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. હાલમાં તો સાઓ પાઉલો એરપોર્ટ પર પહેલેથી જ હાજર રહેલા લોકોને અસર થશે કે પછી બ્રાઝિલમાં આવેલા બધા લોકોને નિયમોની અસર થશે તે સ્પષ્ટ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.