Western Times News

Gujarati News

ગોમતીપુર-સરસપુરમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ધારાસભ્યએ માફી માંગી-કોંગી કોર્પોરેટરે આક્રમક રજુઆત કરી

ચૂંટણી સમયે આપેલા વચન પૂર્ણ ન થતા ભાજપ ધારાસભ્યએ ” સોરી ” કહી મન મનાવ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં સતત 36 કલાક ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે સત્તાધારી પક્ષની ચૂંટાયેલી પાંખ બચાવ મુદ્રામાં આવી ગઈ છે અને ચૂંટણી પહેલા કરેલા બોલ-વચન માટે માફી માંગી રહ્યા છે

જયારે વિપક્ષની ચૂંટાયેલી પાંખ આક્રમક મુદ્રામાં જોવા મળે છે. શહેરના સરસપુર અને ગોમતીપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા નું મૂળ કારણ ગોમતીપુર ડ્રેનેજ પંપિંગ સ્ટેશન જ છે. પરંતુ સરસપુર ચૂંટણી સમયે “વરસાદી પાણી નહિ ભરાય” તેવા કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થતા સ્થાનિક ધારાસભ્ય એ મતદારોને “સોરી” કહ્યું છે જયારે આ મુદ્દે ગોમતીપુર ના કોર્પોરેટરે ઈજનેર અધિકારીઓને સાથે લઈ સ્થળ તપાસ કરવા ડે. કમિશનર સમક્ષ આક્રમક રજુઆત કરી છે.

શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્વના સરસપુર વિસ્તારમાં સરસપુર ચાર રસ્તાથી લઇ હરિભાઈ ગોદાણીના દવાખાના સર્કલ, ગોમતીપુર રોડ, પોટલીયા ચાર રસ્તા, શારદાબેન હોસ્પિટલ રોડ વગેરે વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાપુનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહની ઓફિસ સુધી પાણી આવી ગયા હતા. વર્ષોથી તેમની ઓફિસ પાસે પાણી ભરાવવાની સમસ્યા છે,

જેનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કોઈ નિકાલ કરી શક્યું નથી. ભાજપના ધારાસભ્ય ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કરવામાં ન આવેલી કામગીરીના કારણે નેતાઓ અને નાગરિકો અને હાલાકીનો સામનો કરવો પડયો છે તેવું સ્વીકાર્યું છે.

પૂર્વ વિસ્તારમાં  ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન સારંગપુર બ્રિજ ની નીચે ગોમતીપુર વોર્ડ માં આવેલ છે જેમાં પૂર્વ ઝોન ની સાથે ઉત્તર ઝોન ના આસારવા, ચમનપુર, સરસપુર, બાપુનગર, અને બીજા વોર્ડ નું ડ્રેનેજ અને વરસાદના પાણીનો નિકાલ થાય છે જેની કેપેસીટી પ્રતિ કલાક 6 એમ.એલ.ડી. (MLD) ની છે અને હયાત લાઈન 1000 MM ડાયામીટર ની છે જે વર્ષો જૂની હોવાથી ખવાઈ ગઈ છે. (કોરોઝન) તેથી તેમાં ગમે તે સમયે ભંગાણ પાડવાની શક્યતા છે. તેમજ પમ્પીંગ માં 8 પમ્પ હોવા છતાં ટેક્નિકલ કારણે 4 પમ્પ જ

ચલાવવામાં આવે છે જેના કારણે ગોમતીપુર અને રખિયાલ સરસપુર વોર્ડ ની આશરે 25 થી 30 ચાલીઓ જેવી કે સારંગપુર બ્રિજ પાસે 1.ગંગા રામ કુંભાર ની ચાલી. 2.મનુ ભાઈ ની ચાલી. 3.ભૂરે ખાન ની ચાલી. 4.પત્રેવાલી મસ્જિદ પાસે ની ચાલીઓ 5.બારા સાંચા ની ચાલી. 6.ચારતોડા કબ્રસ્તાન.7.સોની ની ચાલી. 8.વાજાવાલી ચાલી. 9.કસાઈની ચાલી.

10.પટેલ ની ચાલી. 12.જ્યાં લક્ષ્મીનું ડેલું. 13.દરજી કી ચાલી. 14.નિરંજન ની ચાલી.15.પન્નાલાલ ની ચાલી16.બોમ્બે હાઉસિંગ પોલીસ લાઈન અને સરસપુરના વિસ્તારમાં લોકો ના ઘરોની અંદર ડ્રેનેજ અને વરસાદી પાણી બેક મારે છે લોકો ખુબજ તકલીફ નો સામનો કરી રહ્યા છે અને  બે દિવસ થયા છતાં ચાલીઓ માંથી હજુ સુધી પાણી ઓસર્યું નથી

ગોમતીપુર ના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની કેપેસીટીમાં વધારો કરી 1400 MM ડાયામીટરની કરવામાં આવે તો તમામ સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે.આ અંગે મેયર અને કમિશનર સમક્ષ અનેક વખત લેખિત રજુઆત કરવામાં આવી છે.પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન આવતા બે ઝોનના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.