Western Times News

Gujarati News

દ્વારકામાં આભ ફાટ્યુ-વડોદરામાં લશ્કરની બચાવ કામગીરી (જૂઓ તસવીરો)

નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિઃ જામનગરમાંથી ૫૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયુઃ વડોદરામાં હજુ પણ ૭ લાખથી વધુ લોકો અંધારપટમાં

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત મોટાભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. જેના પરિણામે નદીકિનારાના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. આજે દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યુ હોય તે રીતે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર જિલ્લો જળમગ્ન બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે વિશ્વામિત્રી નદીના પાણીએ વડોદરાને ડૂબાડી દીધુ હોય તે રીતે આજે પણ નાગરિકો ઘરની બહાર નીકળી શક્યા નહોતા. વડોદરામાં લશ્કરી ટુકડીઓએ પૂરજોશમાં બચાવ કામગીરી કરી છે. એજ રીતે જામનગરમાં પણ ચારેબાજુ પાણી ફરી વળતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. આજ પરિસ્થિતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી છે.

છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો સૌથી વધુ દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં ૧૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકામાં ૧૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જામજોધપુર તાલુકામાં ૧૩ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં ૪ થી ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ૧૨૫ તાલુકાઓમાં ૧થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ ૧૦૬ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ ઝાનમાં ૧૨૬ ટકા જ્યારે સૌરાષ્ટ્ર ઝાનમાં ૧૧૬ ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં ૧૦૯ ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ૧૦૨ ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૮૪ ટકા વરસાદ પડ્‌યો છે.

પોરબંદરમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ઘેડ પંથક જંળબંબાકાર થયું છે. કુતિયાણાથી ગેરેજ ગામમાં ભાદરના પાણી ફરી વળ્યા છે. ૨૨ ગામમાં ભાદરના પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ આ તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

હજી પણ વરસાદનું જોર આ તમામ વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યું છે અને સ્થિતિ એવી છે કે બોટ લઈને રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. રાવલમાં સરકારી હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા અને દર્દીઓને સ્ટ્રેચર ઉપરથી બહાર લાવવામાં આવ્યા. હોસ્પિટલમાંથી બે સગર્ભા મહિલા અને દર્દીને બહાર કરવામાં આવ્યા અને હોસ્પિટલના સ્ટાફનું પણ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. ઘરમાં ફસાયેલી એક વૃદ્ધાને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

હજી પણ વરસાદ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે, તાત્કાલિક ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોરબીમાં પણ ભારે વરસાદને પગલે મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે.

પાણીની સતત આવકના કારણે દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક પંથકોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ડીસા તાલુકામાં કંસારી ગામના ઇશ્વરપુરા પરામાં જવાના ૩ કિલોમીટર કાચા માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઈશ્વરપુરામાં રહેતા ૨૦૦ જેટલા પરિવારો અટવાયા છે.

ગુજરાતામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જ્યારે હાલ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેર ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મહુવા શહેર તથા આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ૩ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ધોધમાર વરસાદ પડતાની સાથે જ નદી, નાળાઓ છલકાઈ ગયા છે. વરસાદ પડતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે.ભાવનરગર જિલલાનાં ખોડીયાર ડેમ ધારી ૨૦૨.૬૮ મીટર, શેત્રુંજી ડેમ પાલીતાણા ૫૨.૬૫ મીટર, રજવળ ડેમ પાલીતાણા ૫૦.૯૦ મીટર, બગડ ડેમ મહુવા ૫૭.૩૧ મીટર હાલની સપાટી છે. ઘોઘા લાખણકા ડેમ ૩૮.૩૦ મીટર, પીંગળી ડેમ ૪૭.૮૦ હમીપરા ડેમ તળાજાની હાલની સપાટી ૮૨.૫૦ મીટરની છે. માલણ ડેમ મહુવાની હાલ ની સપાટી ૯૯.૬૮ મીટરની છે.

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસેના વિશ્વા મિત્રી બ્રિજ પરથી પણ પાણી વહી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાને જાણે
મેઘરાજાએ ડુબાડી દીધું હોય તેવા આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરામાં પુરમાં ફસાયેલા લોકોને સેનાએ સહારો આપ્યો છે અને હરણી વિસ્તારમાં આર્મી એ રેસ્ક્યુ ઓપરેશન કર્યુ છે અને આર્મીએ હેલિકોપ્ટરથી લોકોને એર લિફ્‌ટ કર્યા છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઇને બેઠક કરી હતી.

વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેરને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાથી આજવામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો. તેનું કારણ એ છે કે, આજવાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે.

જો કે કેલક્યુલેટેડ રિસ્ક તરીકે ગણાવાયેલા આ નિર્ણયની અસર પણ જોવા મળી નથી. ૧૨ કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓસરી રહ્યું નથી. ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. કોર્પોરેશનના સૂત્રોનુ કહેવું છે કે, આજવાના દરવાજા ૨૧૩.૮૦ ફૂટ પર હાલમાં તો સેટ કરાયા છે અને જો નિર્ણયમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે તો ૨૧૩.૮૦ ફૂટ બાદ આજવાનું પાણી ફરી વિશ્વામિત્રીમાં ઠલવાશે.

આમ બપોર બાદ ફરી એક વખત આજવાનું પાણી શહેરમાં બે કાંઠે થયેલી વિશ્વામિત્રીમાં આવી શકે છે. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે. કારણકે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે. એક અંદાજ અનુસાર અત્યારે વડોદરાના સાત લાખથી વધુ લોકો અંધારપટમાં જીવી રહ્યા છે.

વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વિશ્વામિત્રીના પાણી જેટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબ સ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી આ બંને સબ સ્ટેશનો બંધ કરવા પડ્‌યા છે. જેના પગલે આ સબ સ્ટેશનોમાંથી ૪૫ વીજ ફીડરો પરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણસર વડોદરાના જૂના પાદરા રોડ, અકોટા, જેતલપુર રોડ, ગોત્રી, અલકાપુરી, અટલાદરા, વાસણા, ગોત્રી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.

વિશ્વામિત્રીના પૂરના કારણે ગઈકાલથી કારેલીબાગ, હરણી, સમા-સાવલી રોડ, ફતેગંજ જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. આજે પણ આ વિસ્તારોમાં તો પાવર સપ્લાય શરુ થવાનો કોઈ સવાલ નથી પરંતુ નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાથી શહેરના કુલ ૬૮ ફીડરો બંધ કરવા પડ્‌યા છે અને ૩૭૦ ટ્રાન્સફોર્મરો પાણીમાં છે. આમ વડોદરામાં સાત લાખ કરતા પણ વધારે લોકો અંધારપટ હેઠળ છે અને જ્યાં સુધી પૂરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.