Western Times News

Gujarati News

ડાયરેક્ટ સેલિંગમાં 10% વૃદ્ધિ સાથે ગુજરાતે રૂપિયા 1000 કરોડના બિઝનેસનો પડાવ પાર કર્યો

શ્રી કુંવરજીભાઈ બાવળિયા

  • IDSAએ દેશભરમાં ડાયરેક્ટ સેલિંગમાં નવમું સ્થાન પ્રાપ્ત કરી, 1 લાખથી વધુ લોકોને સ્વરોજગારની તક આપી
  • ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન ગૌરવપૂર્ણ
  • રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી મહિલા ઉદ્યોગ સાહસિકો અનેકને રોજગાર આપતા થયા

કોન્ક્લેવની પાંચમી આવૃત્તિ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે 12 મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના  મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અમદાવાદમાં ઈન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) દ્વારા આયોજિત કોન્ક્લેવની  પાંચમી આવૃત્તિનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,  ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં ગુજરાતે મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં 1000 કરોડનો પડાવ પાર કર્યો છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષમાં રૂપિયા 1014 કરોડનો બિઝનેસ ટર્નઓવર થયો છે, જે આ ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવે છે.

કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતે દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટમાં નવમું સ્થાન પ્રાપ્ત કરી 2.1 લાખથી વધુને રોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77 હજારથી વધુ મહિલાઓ છે. IDSAએ રોજગાર ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , રાજ્ય સરકાર મહિલાઓની પ્રગતિ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં લાવી છે. જેનો લાભ મેળવી આ મહિલાઓ અન્ય લોકોને પણ રોજગારી આપી રહ્યાં છે. મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગની સાથોસાથ ગ્રાહકોની સલામતી માટે પણ પ્રતિબદ્ધ છે. IDSA દ્વારા ટેક્સ સ્વરૂપે રાજ્ય સરકારને રૂપિયા 150 કરોડથી વધુનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ એવોર્ડ વિજેતા મહિલાઓ અને IDSAને આ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

IDSAના ચેરમેન શ્રી વિવેક કટોચે જણાવ્યું હતું કે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત ચાવીરૂપ અને અગ્રતા ધરાવતા બજારોમાંનું એક છે. IDSA એસોસિએશન એ 19 સભ્યોની કંપની છે. આ માધ્યમ દ્વારા દેશભરમાં લગભગ 86 લાખ નાગરિકો  સ્વરોજગાર મેળવી રહ્યા છે. આ ક્ષેત્ર છેલ્લાં ચાર વર્ષમાં આઠ ટકાથી વધુના CAGR સાથે સાતત્યપૂર્ણ અને સતત વૃદ્ધિ દર્શાવી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આજના કાર્યક્રમમાં IDSAના સિનિયર મેનેજર  અમનપ્રીત કોર, મોદી કેરના માર્કેટિંગ હેડ રુચિ કુમાર  તેમજ ગુજરાતના સેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.