Western Times News

Gujarati News

વડોદરામાં પૂરથી તબાહી વચ્ચે વધુ 11 વ્યક્તિની લાશ મળી

(એજન્સી)વડોદરા, દાયકાઓની સર્વાધિક યાતનાઓ ભોગવી રહેલા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પૂરનાં પાણી ધીરે ઓસરી રહ્યાં છે, ત્યારે તબાહીની નવી એક વિભીષિકા બહાર આવી રહી છે. શહેરના વિવિધ ભાગોમાંથી માનવ મૃતદેહો મળવાનો સિલસિલો શરૂ થયો છે. પાણીના વધુ પડતા પ્રવાહમાં કેટલાક લોકો તણાઈને અથવા વીજકરન્ટ લાગવા જેવા અન્ય કોઇ કારણોસર અનેક લોકો મોતને ભેટ્યાં હોવાનું જાણવા મળે છે.

છેલ્લા બે દિવસ દરમિયાન મૃત્યુ પામેલા અગિયાર લોકોના મૃતદેહો જોવા મળતાં ફાયર બ્રિગેડ તથા પોલીસ સહિતની ટીમોએ બહાર કાઢયા હતા. પોલીસે મૃતદેહોની પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી મૃતકોની ઓળખવિધિ કરવા સાથે તેમના વાલીવારસોની પણ શોધખોળ શરૂ કરાઇ છે.

વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘણા લોકો પાણીના કારણે પોતાના મકાનોમાં ફસાઈ ગયા હતા. તે લોકોને વિવિધ ટીમો દ્વારા રેસ્કયુ કરીને સહી સલામત બહાર કાઢયા હતા.

જ્યારે કેટલાક વિસ્તારોમાં કુલ ફોર્સમાં પાણીનો વહેણ હોવાના કારણે પશુઓ લોકો પણ તણાઇ ગયા હતા. ત્યારે પરંતુ પાણી ભરેલા હોવાના કારણે તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી હવે પૂરના પાણી અલગ અલગ વિસ્તારમાંથી ઓસરવાની શરૂઆત થતા પાણીમાં ડુબી ગયેલા લોકોના મૃતદેહ જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં હજુ પાણી હોય તેમાં પણ મૃતદેહો તરતા જોવા મળતા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિ સ્થળ પર પહોંચી કામગીરી કરી રહી છે.

કારેલીબાગ બહુચરાજી મંદિર ઢાળ ઉતરતા, ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ, ખિસકોલી સર્કલ ટ્રાન્સપેક કંપની પાસે, જેતલપુર બ્રિજ પાસે અને કારેલીબાગ સ્મશાન, સયાજીગંજ દરગાહ, સમા સહિતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં પાણીમાં ડુબી ગયેલા લોકોના મૃતદેહ હોવાના કોલ મળતા વેંત જ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી મૃતદેહોને બહાર કાઢીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પોલીસ દ્વારા મૃતકોની ઓળખવિધિ કરવા સાથે તેમના વાલી વારસોની શોધખોળ શરૂ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.