Western Times News

Gujarati News

ઇઝરાયેલનો વેસ્ટ બેન્ક પર ઘાતક હુમલો: પાંચ આતંકીઓના મોત

તુલ્કરેમ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વકરતું હોવાના સંકેત છે. ઇઝરાયેલના લશ્કરે ગુરુવારે વેસ્ટ બેન્ક પર અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલામાં સ્થાનિક કમાંડર અબુ શુજા સહિત પાંચ આતંકવાદીઓનો ખાતમો કર્યાે હતો.

ઇઝરાયેલે જણાવ્યું હતું કે, વેસ્ટ બેન્કની ઉત્તરમાં મંગળવારથી કરાયેલા હુમલાને પગલે તમામ આતંકવાદીઓ સહિત કુલ ૧૬ લોકો મોતને ભેટ્યા છે.

ઇઝરાયેલે આંતકવાદીઓના હુમલાને અટકાવવા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનો દાવો કર્યાે હતો. પેલેસ્ટાઇનના લોકો તેને યુદ્ધને વ્યાપક બનાવવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ઇસ્લામિક જિહાદ આતંકવાદી જૂથે તુલ્કરેમ શહેર પરના હુમલામાં અબુ શુજા તરીકે ઓળખાતા મોહમ્મદ જાબેરનું મોત થયું હોવાની પુષ્ટિ કરી હતી.

ચાલુ વર્ષે ઇઝરાયેલની એક કાર્યવાહીમાં તે માર્યાે ગયો હોવાના અહેવાલ વહેતા થયા ત્યારે શુજા પેલેસ્ટાઇનના ઘણા લોકોનો હીરો બની ગયો હતો. જોકે, અન્ય આતંકવાદીઓનું મૃત્યુ થયું ત્યારે તે અચાનક બહાર આવ્યો હતો. તેને લોકોએ ખભા પર ઊંચકી લીધો હતો.

ઇઝરાયેલના લશ્કરે ગુરુવારે જણાવ્યું હતું કે, શુજા ઉપરાંત, અન્ય ચાર આતંકવાદીઓ પણ ઇઝરાયેલી લશ્કર સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. પાંચ આતંકવાદીઓ મસ્જિદની અંદર છુપાયા હતા. લશ્કરના જણાવ્યા અનુસાર અબુ શુજા ઇઝરાયેલ પરના ઘણા હુમલાનો આરોપી હતો.

જેમાં જૂન મહિનામાં થયેલો ઘાતક ગોળીબાર પણ સામેલ છે. ઇઝરાયેલે બુધવારે વેસ્ટ બેન્કમાં આક્રમક હુમલો કર્યાે હતો. હમાસે તેના ૧૦ લોકો જુદાજુદા સ્થળે મૃત્યુ પામ્યા હોવાનો દાવો કર્યાે હતો. પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે ૧૧ લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.

જોકે, તેમાં હમાસના આતંકવાદીઓ કે નાગરિકોની સંખ્યા અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, યુદ્ધની શરૂઆતથી વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇનના ૬૫૦ લોકોના મોત થયા છે. જેમાં મોટા ભાગના આતંકવાદીઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.