Western Times News

Gujarati News

દુનિયાનું સૌથી મોંઘું જંતુ ! કિંમત 75 લાખ રૂપિયા

સ્ટેગ બિટલનો એવો તે શું ઉપયોગ થાય છે કે પાંચ ગ્રામના સ્ટેગ બિટલના ઉંચા દામ ઉપજતા હોય !

જંતુ શબ્દનો ઉપયોગ સામેની વ્યક્તિને તુચ્છ ગણાવવા માટે કરતા હોઈએ છીએ પરંતુ કયારેક તુ પણ લખેલું હોય છે. સ્ટેગ બિટલ નામના એક જંતુની કિંમત ૭પ લાખ રૂપિયા છે !

ધરતી પરનું જીવન અવનવું છે. કેટલાક પ્રકારના જંતુઓ, કીડાઓ, પ્રાણીઓ અને પંખીઓ રહે છે. માણસમાં પણ કેટલી વિવિધતા છે. હજુ તો આપણે પૃથ્વી પરના તમામ જીવોને જોઈ પણ શકયા નથી ! એમેઝોન જંગલમાં તો જૈવ વૈવિધ્ય એટલું બધુ છે કે તે જાણવા તથા ઓળખવા માટે હજુ વર્ષો નીકળી જાય એમ છે. દર વર્ષે નવી નવી પ્રજાતિ શોધાતી જાય છે. રંગ, આકાર અને કદની બાબતમાં કુદરતે ઘણી કમાલ કરી છે.

આ અવનવા કીડા અને જંતુઓની દુનિયામાં એક સૌથી મોંઘું છે ! સ્ટેગ બિટલ નામનું આ જંતુ લ્યકેનિડે પરિવારમાં આવે છે. આ પરિવાર એટલો વિશાળ કે તેમાં બિટલની લગભગ ૧ર૦૦ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. યુરોપમાં સામાન્ય રીતે જાણીતી પ્રજાતિ લ્યુસીનમ સર્વસ લાલ-કાળા રંગની છે. લ્યુસીનમ સર્વસ નામના આ જંતુના જડબાં લાંબા અને હરણના શિંગડાં જેવા હોય છે.

તેની આ વિશેષતાને કારણે આ જંતુ સ્ટેગ બિટલ તરીકે જાણીતું છે. આ જંતુનું વજન રથી ૬ ગ્રામ હોય છે. વજનની જેમ જ આ સ્ટેગનું આયુષ્ય પણ ટૂંકું ૩થી ૭ વર્ષ છે. નર સ્ટેગ બિટલ ૩પથી ૭પ મિલીમીટર લાંબુ હોય છે. જ્યારે માદા નર કરતાં નાની એટલે કે, ૩૦થી પ૦ મિલીમીટર લાંબી હોય છે. નાનકડા સ્ટેગ બિટલના જડબા લાંબા અને શિંગડા જેવા દેખાતા હોવાને કારણે તેનો ડર લાગે છે.

સ્ટેગ બિટલનું આખું જીવન સડેલા લાકડા પર આધારિત છે. સ્ટેગ બિટલ ગરમ, ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં વિશેષ જોવા મળે છે. સ્ટેગ બિટલ ખાસ કરીને સડેલા લાકડા પર ખાસ જોવા મળે છે. સ્ટેગ બિટલ લાર્વા મૃત લાકડાને ખાઈને ઉછરે છે. આ જંતુ તેના તીક્ષ્ણ જડબાનો ઉપયોગ કરીને તંતુમય સપાટીમાંથી રેસા કાઢીને ખાતું હોય છે. તે મુખ્યત્વે કાળા ચળકતા માથામાંથી નીકળતા શિંગડા દ્વારા ઓળખાય છે. સ્ટેગ બિટલનો રંગ લીલો, ઘેરો બદામી, રાખોડી, લાલ કથ્થઈ અથવા કાળો પણ હોઈ શકે છે. સ્ટેગ બિટલ ડરામણું ભલે હોય, પણ માણસજાત કે અન્ય પ્રાણીઓ માટે હાનિકારક નથી.

સ્ટેગ બિટલનો એવો તે શું ઉપયોગ થાય છે કે પાંચ ગ્રામના સ્ટેગ બિટલના ઉંચા દામ ઉપજતા હોય !

યુરોપિયન દેશોમાં વધુ જોવા મળતા સ્ટેગ બિટલને નામશેષ થઈ ગયેલી દુર્લભ પ્રજાતિ ગણાય છે. એ કારણે તો તેના ભાવ ઉંચા જ હોય છે. સ્ટેગ બિટલનો ઉપયોગ કેટલીક દવા બનાવવામાં પણ થાય છે. જો કે, યુરોપિયન દેશોમાં સ્ટેગ બિટલને શુભ માનવામાં આવે છે.

સૌભાગ્યના પ્રતિક ગણાતા આ જંતુને ઘરમાં રાખવાથી ખટાક ખટાક પૈસા આવી જાય એવી માન્યતા છે. પૈસા પાછળ તો લોકો ઘેલા કાઢે છે ત્યારે એક જંતુ રાખવાથી ધનપતિ થઈ જવાતું હોય તો કોણ પાછું પડે ? જો કે, તેની કિંમત એવી છે કે, ધનપતિઓ જ તેને રાખી શકે ! પ ગ્રામના આ જંતુની કિંમત ૭પ લાખ હોય અને એ વધુમાં વધુ સાત વર્ષ જ જીવતું હોય ત્યારે તેનો ખર્ચ શ્રીમંતોને જ પોષાય એમ હોય છે.

ખેર, યુરોપિયન દેશો ભલે વૈજ્ઞાનિક અભિગમવાળા ગણાય છે પરંતુ તેઓમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. લુનિયા તથા ઈટાલી જેવા દેશોમાં સ્ટેગ બિટલના મૃત શરીરને તાવીજની જેમ શરીરે બાંધવામાં આવે છે ! તો વળી કેટલાક દેશોમાં લોકો સ્ટેગ બિટલની માળા બનાવીને પહેરે છે !

લોકો માને છે કે સ્ટેગ બિટલ રાતોરાત લોકોનું કિસ્મત બદલી નાંખે છે તેથી તે વિશ્વનું સૌથી મોંઘું જંતુ છે. તે સારા નસીબ માટે ગળામાં તાવીજ તરીકે પહેરવામાં આવે છે. આ અંધશ્રદ્ધાને કારણે જ તેના દામ સૌથી ઉંચા રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.