Western Times News

Gujarati News

માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયેલા યુવકના હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં એક જ અઠવાડિયામાં બીજુ અંગદાન

પાલીતાણાના હિતેશભાઇ મારૂને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા  સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયા-અગાઉથી અંગદાનના મહત્વથી  માહિતગાર પરિવારજનોએ અંગદાનનો ત્વરિત નિર્ણય કર્યો

કિડની ઇન્સ્ટીટ્યુટમાં અત્યાર સુધીમાં ૨૦ અંગદાતાઓના અંગદાનમાં ૩૪ કિડની, ૧૮ લીવર, ૫ હ્રદય અને એક પેન્ક્રીયાસનું દાન મળ્યું

રાજ્યમાં અંગદાનની જાગૃકતા કેળવાઇ રહી છે. હવે રાજ્યના મોટા શહેરો ઉપરાંત અંતરિયાળ અને દૂર – સુદૂરના વિસ્તારોમાંથી પણ અંગદાન થવા લાગ્યા છે. જેમા રાજ્ય સરકારના અથાક પ્રયાસો સાથે સામાજીક અને સેવાભાવી સંસ્થાઓના સિંહફાળો છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલ, કિડની ઇન્સ્ટીટ્યુટ અને યુ.એન.મહેતા છેલ્લા કેટલાય સમયથી અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે.

અમદાવાદ સિવિલ બાદ હવે એ જ કેમ્પસમાં આવેલ IKDRC(કિડની ઇન્સ્ટીટ્યુટમાં) પણ છેલ્લા અઠવાડિયામાં બે અંગદાન થાય છે. બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોને રીટ્રાઇવ કરીને જરૂરીયાતમંદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે.

તા. ૨૯ ઓગષ્ટના રોજ થયેલ અંગદાનની વિગતો જોઇએ તો , ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની ૩૦ વર્ષના હિતેશભાઈ મારુ અમદાવાદમાં તાડપત્રીના કારખાનામાં લાંબા સમયથી કામ કરતા હતા. તા. ૨૧ ઓગષ્ટના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી. જેથી તેઓને ઓઢવ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. જ્યાં સધન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેથ જાહેર કરવામાં આવ્યા.

તબીબો દ્વારા બ્રેઇનડેથ જાહેર કરાતા તેમના ભાઇ – બહેન તેમજ માતા-પિતાને અંગદાન અંગેની સમજ આપવામાં આવી. અગાઉ થી તેમના પરિવારજનોને અંગદાનના સેવાકાર્ય વિશેની માહિતી હતી. જેથી જ્યારે ખાનગી હોસ્પિટલના તબીબે તેમને અંગદાન સંદર્ભે પ્રોત્સાહિત કર્યા ત્યારે ઘડીનો વિલંબ કર્યા વિના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો.

પરિજનોના અંગદાનના નિર્ણય બાદ બ્રેઇનડેડ હિતેશભાઇ મારૂને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં લાવવામાં આવ્યા. અહી ઇન્સ્ટીટ્યુટના ડાયરેકટર અને SOTTO-ગુજરાતના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ તેમના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી . અને સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડનીઓ, લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી.

ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે , અંગદાન એ પ્રવર્તમાન સમયમાં મહાદાન છે. આઇ.કે.ડી.આર.સી-આઇ.ટી.એસની અંદર છેલ્લા ૬ વર્ષમાં ૨૦ અંગદાતાઓના અંગોના દાન કરવામાં આવ્યા છે. જેમાં ૩૪ કિડનીઓ, ૧૮ લીવર, ૫ હ્રદય અને એક પેન્ક્રીયાસ દાન મેળવવામાં સફળતા મળી છે. આગામી સમયમાં રાજ્યમાં લાઇવ ઓર્ગન ડોનેશનમાં ઘટાડો કરવા બ્રેઇનડેડ વ્યક્તિઓના ઓર્ગન ડોનેશનની તાકીદે જરૂરીયાક હોવાથી મહત્તમ લોકો આ અંગેની જાગૃકતા કેળવીને અંગદાન માટે લોકોને પ્રેરણા આપે તેવો અનુરોધ ડૉ. મોદીએ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.