Western Times News

Gujarati News

પુત્ર આરોપી હોય તો પિતાનું મકાન તોડી પાડવુ યોગ્ય નથીઃ સુપ્રીમ કોર્ટ

પ્રતિકાત્મક

દોષિત હોય તો પણ બુલડોઝરથી ઘર તોડી ન શકાય-સુપ્રીમ કોર્ટ ગાઇડલાઇન બહાર પાડશે

(એજન્સી)નવી દિલ્હી, બુલડોઝરના મામલામાં આજે સુપ્રીમમાં સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે શું કોઈનું ઘર એટલા માટે તોડવામાં આવે છે કારણ કે તે આરોપી છે કે પછી તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈનું પણ ઘર તોડી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા વિના તેનું ઘર તોડી શકાય નહીં. ડિમોલિશનની કાર્યવાહી સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે કોઈના ઘરને માત્ર એટલા માટે તોડી શકાય કે તે આરોપી છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે તે કોઈપણ અનધિકૃત બાંધકામને રક્ષણ નહીં આપે. ડિમોલિશનની કાર્યવાહી સામેની અરજી પર સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે નક્કી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ.

સૌથી વધારે બુલડોઝર ઉત્તર પ્રદેશમાં ચાલ્યા છે. ઉત્તર પ્રદેશ બાદ ભાજપ શાસિત રાજ્યોએ બુલડોઝર ચલાવ્યા છે. હવે આ કેસમાં નવી ગાઈડલાઈન આવે તેવી પણ સંભાવના છે. જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે જો સરકાર ખાતરી આપે કે બુલડોઝર જસ્ટિસના નામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં તો સમગ્ર વિવાદનો અંત લાવી શકાય છે.

આ મામલે સુપ્રીમે પણ આકરું વલણ દાખવ્યું છે. જસ્ટિસ ગવઈએ બુલડોઝરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જો તે દોષિત સાબિત થઈ જાય તો પણ તેનું ઘર આ રીતે તોડી શકાય નહીં. સુપ્રીમના અગાઉના સ્ટેન્ડ છતાં અમે સરકારના વલણમાં કોઈ ફેરફાર જોતા નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકારે ઓગસ્ટ ૨૦૨૨માં આ મુદ્દે સોગંદનામું દાખલ કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈની મિલકત પર બુલડોઝર માત્ર એટલા માટે ચલાવી શકાય નહીં કારણ કે તે આરોપી છે. મ્યુન્સિપલ કાયદાના ઉલ્લંઘનમાં જ આ કરી શકાય છે. જે સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ જમિયત-ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરી રહી છે. એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપશાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ કેસની સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે હાથ ધરાશે.

સુપ્રીમે કહ્યું, અમે અહીં ગેરકાયદે અતિક્રમણની વાત નથી કરતા. આ કેસ સાથે સંબંધિત પાર્ટીઓ સૂચન આપે. અમે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જારી કરી શકીએ છીએ. કોઈનો દીકરો આરોપી હોઈ શકે, પણ આ આધારે બાપનું ઘર તોડી પાડવાનું! આ યોગ્ય કાર્યવાહી નથી.

કોઈપણ આરોપીની મિલકત એટલા માટે નથી તોડી પાડવામાં આવી, કારણ કે તેણે ગુનો કર્યો. આરોપીઓના ગેરકાયદે કબજા સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જમિયતના વકીલ ફારુક રશીદનું કહેવું છે કે રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે.

અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારોએ પીડિતોને પોતાનો બચાવ કરવાની તક આપી નથી. ઊલટાનું કાનૂની પ્રક્રિયાની રાહ જોયા વિના પીડિતોને તરત જ સજા તરીકે ઘરો પર બુલડોઝર ચલાવી દીધું.

૨૧ ઓગસ્ટે મધ્યપ્રદેશના છતરપુરના કોતવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યાના ૨૪ કલાકની અંદર સરકારે ૨૦ હજાર ચોરસ ફૂટમાં બનેલી ૨૦ કરોડ રૂપિયાની ત્રણ માળની હવેલી જમીનદોસ્ત કરી દીધી હતી. જ્યારે હવેલી તોડી પાડવામાં આવી રહી હતી ત્યારે પણ તેમના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર નહોતો. એફઆઈઆર મુજબ ચારેય ભાઈએ ટોળાને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.