Western Times News

Gujarati News

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર હવે કટ્ટરપંથીઓને સંભાળવામાં વ્યસ્ત છે

હેફાઝત-એ-ઈસ્લામના નેતાઓ વચગાળાની સરકારના વડા યુનુસની મુલાકાત લીધી

ઢાકા,  બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે, મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની દેશની વચગાળાની સરકાર હવે કટ્ટરપંથીઓને સંભાળવામાં વ્યસ્ત છે. વિવાદાસ્પદ નેતાઓ રાજધાની ઢાકામાં સરકારી પ્રતિનિધિઓને મળતા જોવા મળે છે. શનિવારે, વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે કટ્ટરવાદી જૂથ હેફાઝત-એ-ઈસ્લામના નેતા મમુનુલ હક અને તેમના જૂથના અન્ય સભ્યો સાથે ઢાકામાં મુલાકાત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે હિફાજતના નેતાઓ અને ડો.યુનુસ વચ્ચેની સત્તાવાર બેઠકમાં ચૂંટણી સુધારા અંગે ચર્ચા થઈ હતી. વડાપ્રધાનના કાર્યકાળ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ તસવીરો સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે મમુનુલ હકની શેખ હસીના શાસન દરમિયાન હિંસા ભડકાવવા સહિતના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું, ત્યારે મોટાભાગના વિરોધ પક્ષના નેતાઓને નવા શાસન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. તેમાં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોના નેતાઓના નામ પણ સામેલ છે.નવી સરકાર દ્વારા મુક્ત કરવામાં આવેલા લોકોમાં મમુનુલ હકનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી સંગઠન પણ ખૂબ સક્રિય જોવા મળે છે. આ ઓપન મીટીંગ બાદ સવાલો ઉઠી રહ્યા છે.

હેફાઝત-એ-ઈસ્લામ અને તેના નેતાઓ ભારત વિરોધી વલણ અપનાવવા અને ઘણીવાર ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો કરવા માટે જાણીતા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન કટ્ટરપંથી હિફાઝત-એ-ઈસ્લામના નેતા મમુનુલ હકે વિરોધ કર્યાે હતો. આ કટ્ટરવાદી સંગઠન બાંગ્લાદેશમાં મદરેસાઓ ચલાવે છે અને તેના ઉપદેશોમાં ઘણીવાર બાંગ્લાદેશના બંધારણનો વિરોધ કરે છે.

હેફાઝત-એ-ઈસ્લામ એ ઈસ્લામવાદી હિમાયત જૂથ છે જેણે ૨૦૧૦ માં તેની રચના થઈ ત્યારથી બાંગ્લાદેશમાં ધાર્મિક ઉપદેશમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આ સંસ્થા મુખ્યત્વે કૌમી મદરેસાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની બનેલી છે, જેનો હેતુ ઇસ્લામના રૂઢિચુસ્ત મૂલ્યોને જાળવી રાખવા અને પ્રગતિશીલ સામાજિક ફેરફારોનો વિરોધ કરવાનો છે.

વર્ષાેથી જૂથે વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર તેના કટ્ટર વલણ માટે હેડલાઇન્સ બનાવી છે, જે ઘણીવાર દેશની અંદર બિનસાંપ્રદાયિક જૂથો સાથે અથડામણ કરે છે. હિફાઝત-એ-ઈસ્લામ સાથે સંકળાયેલા કટ્ટરપંથી મૌલવી મમુનુલ હક એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે.

૧૯૭૩માં જન્મેલા હકે ઘણી જાણીતી મદરેસાઓમાં અભ્યાસ કર્યાે હતો અને પોતાની વાક્છટા અને ઇસ્લામિક જ્ઞાનને કારણે ઝડપથી ચર્ચામાં આવ્યા હતા. તેમના ઉગ્ર ભાષણો અને બેફામ વલણ માટે જાણીતા, હકે પ્રખર સમર્થકો અને ઉગ્ર ટીકાકારો બંનેને આકર્ષ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.