Western Times News

Gujarati News

અમદાવાદના મોટા જંકશનો પરના ર૦ ટકા CCTV બંધ હાલતમાં

શહેરમાં રોડ-રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ થશે-CCTVના કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવામાં આવશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ, રસ્તા થોડાક દિવસોમાં હોટમીક્ષથી રીસર્ફેસ કરવામાં આવશે. શહેરમાં ત્રણ હજાર કરતા વધુ સ્ટ્રીટ લાઈટના નવા પોલ નાંખવામાં આવશે તેમજ ગણપતિ વિસર્જનના દિવસે ૬ જગ્યાએ સ્ટેજ બનાવી ભક્તોને સેવા આપવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યા મુજબ વરસાદના કારણે જે રોડ-રસ્તા તૂટી ગયા છે તેના કામ હોટમીક્ષથી કરવામાં આવશે બે ત્રણ દિવસ બાદ જયારે પણ તડકો નીકળશે તે સમયે રોડ રીસર્ફેસના કામ શરૂ થશે. આ ઉપરાંત નવા રોડ અને ફુટપાથ બનાવવા માટે રૂ.૩૦૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે તે કામ પણ શરૂ થઈ જશે.

શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં દિવાળી સુધીમાં સ્ટ્રીટ લાઈટના નવા ત્રણ હજાર પોલ નાંખવાનો ટાર્ગેટ છે. અમદાવાદ શહેરમાં વરસાદના કારણે થયેલ કાદવ- કીચડ અને ગંદકી દુર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રીન વેસ્ટનો પણ ઝડપથી નિકાલ કરવા માટે તાકિદ કરવામાં આવી છે.

શહેરના નાના મોટા જંકશનો પર સીસીટીવી નાંખવામાં આવ્યા છે જે પૈકી ર૦ ટકા સીસીટીવી બંધ હાલતમાં છે જે ઝડપથી ચાલુ કરવા અને કોન્ટ્રાકટરને પેનલ્ટી કરવા માટે તાકિદ કરવામાં આવી છે. ઈડબલ્યુએસના આવાસ જેમને ફાળવવામાં આવે છે તે લોકોને ટેક્ષ બીલમાં નામ દાખલ કરવામાં ઘણી તકલીફ થાય છે તેથી એલોટમેન્ટ લેટર સાથે ટેક્ષ બીલમાં તેમના નામ દાખલ કરવામાં આવે તે અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગણપતિના તહેવારને અનુલક્ષી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિ હોવા ફરજીયાત છે આ સ્પર્ધામાં ઝોન દીઠ ઈનામ આપવામાં આવશે. ઝોનદીઠ પ્રથમ આવનાર સોસાયટી કે પોળને રૂ.પ૧ હજારનું ઈનામ અપાશે. ગણપતિ વિસર્જનના દિવસે ભાવિક ભકતોની સેવા માટે નદીની આસપાસ ૬ મંચ સ્ટેજ ઉભા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.