Western Times News

Gujarati News

આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સકારાત્મક અભિગમ અપનાવે: ડૉ. જે.એમ. વ્યાસ

NFSU-ગાંધીનગર ખાતે શિક્ષક દિનની ઉજવણી થઈ

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરે તા.5મી સપ્ટેમ્બર, 2024ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશની ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. શિક્ષક દિવસના પવિત્ર અવસરે NFSUના સાત અધ્યાપકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પદ્મશ્રીથી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે આદર્શ શિક્ષકે જીવનમાં યોગ્ય ગુણો અપનાવવા જોઈએ. જેનાથી વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થઈ શકે. જેમાં ઉપલબ્ધતા, સુલભતા, સકારાત્મક અભિગમ અને જ્ઞાનમાં વિશ્વસનીયતાનો સમાવેશ થાય છે. શિક્ષકો. વિદ્યાર્થીઓ માટે, જિજ્ઞાસુ સંશોધક બનવું જરૂરી છે. જ્ઞાન વિદ્યાર્થીઓને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે અને સફળતાના માર્ગને પ્રકાશિત કરશે.

પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષકો રાષ્ટ્રના ભાવિને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આદર્શ  શિક્ષક તરીકે, તેઓ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ મૂલ્યો અને નૈતિકતા પણ શીખવે છે.

પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડૉ.) સતીશ કુમાર, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ભોપાલે પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, NFSUની વિવિધ શાળાઓના ડીન અને એસોસિયેટ ડીન અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.