Western Times News

Gujarati News

મ્યુનિ.કમિશ્નરમાં ભૂ-માફીયાઓ સામે કાર્યવાહી કરવાની ‘નૈતિક હિંમત નથી’

File

કોંંગ્રેસનો આક્ષેપ : ગરીબોને કડકડતી ઠંડી અને ધોધમાર વરસાદમાં બે-ઘર કરનાર સતાધીશો અને અધિકારીઓ ભૂ-માફિયાઓને બચાવવા દિવસ-રાત દોડી રહ્યા છેઃદિનેશ શર્મા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદ સિમેન્ટ કોંક્રીટનું જંગલ બની રહ્યુ છે. પર્યાવરણને બચાવવા માટે દસ લાખ વૃક્ષ લગાવવામાં આવે છે જેની સામે તેટલી જ સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. શહેરના તમામ ઝોન, વોર્ડ અને વિસ્તારોમાં બેરોકટોક અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યા છે. જેના પરિણામે ટ્રાફિક, પાર્કિગ  પાણી, પ્રદુષણ અને ડ્રેનેજની સમસ્યા વકરી રહી છે. સાથે સાથે મનપાને પણ આર્થિક નુકશાન થાય છે.


મ્યુનિસિપલ કોર્પોેરશનમાં અવારનવાર ગેરકાયદેસર બાંધકામોને દુર કરવા માટે ચર્ચા-વિચારણા થાય છે. પરંતુ કોઈ નક્કર પોલીસી તૈયાર કરવામાં આવી નથી. જેનો લાભ જે તે વિસ્તારના રાજકારણીઓ -ભૂ-માફિયાઓ અને મનપાના ભ્રષ્ટ અધિકારીઓ લઈ રહ્યા છે. શહેરમાં ર૦૧૦-૧૧ ના વર્ષમાં પાંચ લાખ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામ હતા. ર૦૧૯ સુધી અનઅધિકૃત બાંધકામોની સંખ્યા લગભગ બમણી થઈ હોવાનો એક અંદાજ છે.

મ્યુનિસિપલ કમિશ્નરે છેલ્લા એક વર્ષમાં વિવિધ પ્રકારની ‘ડ્રાઈવ’ ચલાવી છે. તથા છેવાડાના માણસો પાસેથી દંડના નામે મોટી રકમોની વસુલાત પણ કરી છે. પરંતુ ભૂ-માફિયાઓ સામે ખાસ ‘ડ્રાઈવ’ ચલાવવાની તેમજ મનપાની અબજા રૂપિયાની જમીન સંપાદન કરવાની નૈતિક હિંમત કમિશ્નરે પણ કોઈ દિવસ દાખવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે બેવડી નીતિ ચાલી રહી છે.

જેમાં નાના માણસોના ૧૦૦-ર૦૦ ફૂટના બાંધકામોને દૂર કરવા માટે યુધ્ધના ધોરણે કામ કરવામાં આવે છે. જ્યારે ભૂ-માફિયાઓને બચાવવા માટે સતાધીશો અને અધિકારીઓ ‘’સલાહકાર’ની ભૂમિકા પણ ભજવી હ્યા હોવાના સીધા આક્ષેપ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોેરશનમાં ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કોઈ જ સ્પષ્ટ નીતિ નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવે ત્યારે જ દેખાવ પૂરતી તોડફોડ કરીને ઈમ્પેક્ટ જેવા કાયદાનો અમલ કરવામાં આવે છે. શહેરમાં ભૂ-માફિયાઓ બેફામ બની ગયા છે.

તથા સરકારની અને મનપાની લાખો ચોરસ મીટર જમીન પર કબજા જમાવી ને બેસી ગયા છે. તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે પ્લાન મંજુર થયા હોય અને માત્ર બે-ત્રણ ફૂટ વધારાનું બાંધકામ કર્યુ હોય એવા કિસ્સામાં મ્યુનિસિપલ એસ્ટેટ ખાતાના શૂરવીરો કાગારોળ કરી મુક્તા હોય છે. પરંતુ હેરિટેઝ મિલકતોમાં થયેલ કોમર્શિયલ મિલકતો, કોટ વિસ્તારના રહેણાંક મકાનોમાં થયેલ કોમર્શિયલ બાંધકામો તથા પ્લાન મંજુર કરાવ્યા વિના જ થયેલ બાંધકામો દૂર કરવાની નૈતિક હિંમત મ્યુનિસિપલ સતાધીશો અને કમિશ્નરમાં નથી તે બાબત વખતોવખત સાબિત થઈ રહી છે.

શહેરના કોટ વિસ્તારમાં બેરોકટોક અનઅધિકૃત બાંધકામો થયા છે અને થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ થયેલા મિલકતોના વપરાશ પણ શરૂ થઈ ગયા છે. તેમ છતાં તંત્ર નિંદ્રાધીન છે. મધ્ય ઝોનના પૂર્વ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈના કાર્યકાળ દરમ્યાન ખાડીયા વોર્ડમાં બેરોકટોક બાંધકામ થયા હતા. તેમના જ કાર્યકાળ દરમ્યાન હેરિટેજ મિલકતોમાં કોમર્શિયલ બાંધકામો થયા છે.આ સંજાગોમાં તેમની સામે કાર્યવાહી કરવાના બદલે તેમને પ્રમોશન આપવામાં આવ્યુ છે.

તેમજ તેમના કથિત વહીવટદાર કેતન રામીને આંચ ન આવે એ માટેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યુ છે. થોડા દિવસો પેહલાં ‘ખાડીયા બચાવો સમિતિ’ દ્વારા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને ૮પ કરતા વધે ગેરકાયદેસર બાંધકામોની યાદી આપવામાં આવી હતી. આ બાંધકામો છેલ્લા પાંચ-છ મહિનામાં જ થયા છે.

જ્યારે ર૦૧૯ ના વર્ષ દરમ્યાન માત્ર મધ્યઝોનમાં જ ૧પ૦૦ કરતા વધુ અનઅધિકૃત બાંધકામ થયા છે.ે જેમાં ખાડીયા, જમાલપુર, શાહપુર અને દરિયાપુર વોર્ડ મોખરે છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિસિપલ સતાધીશો અને અધિકારીઓ જે ઓફિસમાં બિરાજમાન થયા છે તેની બારીમાંથી જ સાત-આઠ માળના ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે. તથા કેટલાંક થોડા સમય પહેલાં જ પૂર્ણ થયા છે.

પરંતુ આ બાંધકામો દૂર કરવાની હિંમત એેકપણ મહાનુભાવ દાખવી શક્યા નથી. દક્ષિણ ઝોન પણ ગેરકાયદેસર બાંધકામોનું હબ બની ગયુ છે. ૧૯૮૬-૮૭ ની સાલમાં ભેળવાયેલા ઈસનપુર અને વટવા વોર્ડની ટી.પી. સ્કીમો સમયસર મંજુર થઈ ન હોવાથી રાજકારણીઓ અને ભૂ-માફિયાઓએ રીતસર આતંક મચાવ્યો હતો. ઈસનપુરમાં બગીચા, પાણીની ટાંકી તથા પ્રાથમિક સુવિધાના કામ માટે પણ રીઝર્વ પ્લોટ રહ્યા નથી. આ જ પરિસ્થિતિ  લાંભા વોર્ડની છે. લાંભા વોર્ડમાં ટી.પી.પપ અને પ૬માં મનપાની બે લાખ ચોરસમીટર જમીન પર દબાણ છે જેને દૂર કરવાના બદલે મ્યુનિસિપલ સતાધીશો અને વહીવટી તંત્ર તેને રક્ષણ આપી રહ્યા છે.

આ જ વિસ્તારમાં મોની હોટલની આસપાસ આવેલા બાલાજી એસ્ટેટ, આર.કે.એસ્ટેટ, રામદેવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ૯૦ ટકા ગરેકાયદેસર બાંધકામ થયા છે. લાંભા વોર્ડના પીપળજ, ગ્યાસપુર, શાહવાડી સહિતના વિસ્તારોમાં સરકારી તથા મ્યુનિસિપલ જમીન પર ફેકટરીઓ બની ગઈ છે. જેને દુર કરવામાં પૂર્વ કમિશ્નરે કોઈ જ રસ લીધો નહોતો.

જ્યારે વર્તમાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર આર.કે.મહેતા પણ તેમના જ નકશેકદમ પર ચાલી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામોના કારણે પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સ્થાનિક કોર્પોરેટરો, ભૂ-માફિયા વચેટીયા અને ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ ખુબ જ મજબુત હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.ે

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ ઉપરોક્ત તમામ મુદ્દે કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે નક્કર પોલીસી તૈયાર કરવી આવશ્યક છે. મ્યુનિસીપલ એસ્ટેટ ખાતાના જ કેટલાંક અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઉચ્ચ કક્ષાએથી દબાણ આવે ત્યારે નાના બાંધકામ તોડીને કામ કર્યાનો ગર્વ અનુભવે છે, તથા ખોટા રીપોર્ટ કરે છે.

આ પ્રકારના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ પગાર કોર્પોરેશનનો લઈ રહ્યા છે જ્યારે કામ બિલ્ડરો માટે કરી રહ્યા હોય તેમ લાગે છે. ગેરકાયદેસર બાંધકામને તૂટતા બચાવવા માટેના તમામ પેંતરાથી તેઓ વાકેફ છે તથા ભૂ-માફિયાઓને પણ આવા પેંતરા શિખવે છે. મોટા બિલ્ડરોના બાંધકામ સામે દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. સીલ થયેલ બાંધકામમાં પણ કામ ચાલતા હોય છે. છતાં કલમ ૧૮૮ની ફરીયાદ થતી નથી.

બાંધકામને તોડવા મટો નોટીસ પણ આપવામાં આવે છે. તથા પોલીસ બંદોબસ્તની માંગણી પણ થાય છે. પરંતુ આ તમામ ઘટનાક્રમ અગાઉથી થયેલ ગોઠવણ મુજબનો નાટકીય હોય છે. તેથી બાંધકામ અને અધિકારી બંન્ને બચી જાય છે. કેટલાંક કિસ્સામાં તો રીઝર્વ જમીન સંપાદન કરીને ગરેકાયદેસર બાંધકામ કરનારને જ ભાડે આપવામાં આવે છે. લાંભા વોર્ડમાં આ પ્રકારનો કિસ્સો પણ બહાર આવ્યો છે.

કડકડતી ઠંડી તથા ધોધમાર વરસાદમાં ગરીબોના ઝુંપડા તોડવા માટે લેશમાત્ર હમદર્દી દાખવવામાં આવતી નથી જ્યારે ભૂ-માફીયાઓને બચાવવા માટે આવા લોકો દોડધામ કરતા જાવા મળે છે. મ્યુનિસિપલ કમિશ્નરે પ્રજા પાસેથી વિવિધ દંડ વસુલ કર્યો છે પરંતુ ભૂ-માફિયાઓને તેમણે મુક્તિ આપી હોય એવો ઘાટ જાવા મળે છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.