Western Times News

Gujarati News

અમદાવાદઃ અડધા કલાકમાં ૮૦ લાખ કમાવાની લાલચમાં વેપારીએ બે કરોડ ગુમાવ્યા

અમદાવાદ, જ્યાં લોભિયા હોય, ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિ સાર્થક કરતો વધુ એક કિસ્સો નોંધાયો છે. અમદાવાદ, મુંબઇ અને દુબઇની ઠગ ટુકડીએ રાજકોટના વેપારીને ટાર્ગેટ કરી તેની પાસેથી રૂ. બે કરોડ પડાવી લીધા. ઇન્ડસ ટાવર કંપનીમાં રોકાણ કરી મોટું કમિશન ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવવાની લાલાચ આપી બે કરોડનું આંગડિયુ કરાવી દીધું. કમિશન કે રૂપિયા કંઇ જ મળ્યું નહીં.

આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ છે. રાજકોટમાં અનાજના હોલસેલના વેપારી ચેતન અમલાણીને અમદાવાદના હિતેશ રાઠોડે પોતાના એક મિત્ર અશ્વિન ઝવેરી પાસે ઇન્વેસ્ટમેન્ટની સારી સ્કીમ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે રોકાણની સ્કીમ સમજવા માટે તે અમદાવાદ આવ્યા હતો.

હિતેશ રાઠોડે તેને નલિન અને અશ્વિન સાથે વાત કરાવી હતી. ત્યાર બાદ તેઓ કરગીલ પેટ્રોલ પંપ પાસે ધી કેપિટલ બિલ્ડિંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં મીટિંગ કરી હતી. જ્યાં અશ્વિન ઝવેરીએ નલિન, બ્રિજેશ અને દીપકની ઉપસ્થિતિમાં ચેતનને જુદી જુદી સ્કીમની વાત કરી હતી.

જેમાં તેણે જણાવ્યું હતું કે પોતે ઇન્ડસ ટાવર કંપની માટે કામ કરે છે. હાલ કંપનીને ફંડની જરૂર છે. કંપની માત્ર રોકડ રૂપિયામાં ફંડ મેળવે છે અને કમિશન સાથે કોઇ ટ્રસ્ટના એકાઉન્ટમાં પરત જમા કરાવી દે છે. તેથી કંપની આ રોકડ દાનમાં આપી હોવાનું ઇનકમ ટેક્સમાં દર્શાવી શકે. ચેતન વાતમાં આવતાં ઝવેરીએ જુદી જુદી ત્રણ સ્કીમની વાત કરી હતી.

જેમાં બે કરોડના રોકાણ પર બે કરોડ, એંસી લાખ પરત મળે. પાંચ કરોડના રોકાણ પર આઠ કરોડ અને ૧૨ કરોડના રોકાણ પર અઢાર કરોડ મળી જાય અને તે પણ અડધા કલાકમાં જ પરંતુ કોઇ ટ્રસ્ટના જ એકાઉન્ટમાં જમા થાય.

ચેતને તરત જ પોતાના ઓળખિતા ઘનશ્યામભાઇને સંપર્ક કરી તેમના યશોનંદર ટ્રસ્ટમાં આ રૂપિયા આવે તે માટે મનાવી લીધા હતા અને અડધા કલાકમાં એંસી લાખનો નફો કમાવા માટે બે કરોડ લઇ ઘનશ્યામભાઇ સાથે અમદાવાદ પહોંચ્યો હતો.

ઝવેરીએ આ રૂપિયા સિંધુભવન રોડ પર વી. પટેલ સર્વિસ નામની આંગડિયા પેઢી મારફત જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યાં રૂપિયા ગણવા માટે જમા કરાવવાના અને ટોકન લેવાનું. ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા જમા થાય પછી જ આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલવાનું નક્કી થયું હતું.

ચેતને રૂપિયા જમા કરાવી ટોકન પેટે એક રૂપિયાની નોટ લીધી અને એંસી લાખના નફાની રાહ જોવા લાગ્યો પાંચ કલાક સુધી કોઇ જ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા નહીં. જેથી રૂપિયા પરત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આંગડિયા પેઢીના સંચાલકે જાણ કરી કે ટોકનના રૂપિયાની વિગતો અશ્વિન ઝવેરીએ મુંબઇના બાબુ નામના વ્યક્તિને આપી આંગડિયુ મુંબઇ કરાવી દીધું હતું.

બાબુએ આ રૂપિયા લઇ દુબઇમાં સંદીપ પાટીલને મોકલી આપ્યા છે. આ બાબતે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.