Western Times News

Gujarati News

પાટણ સરસ્વતી ડેમમાં ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી ચાર વ્યક્તિનાં મોત

પાટણ, પાટણના સરસ્વતી ડેમમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સહિત કુલ સાત સભ્યો પાણીમાં ગરક થયા હતા.

જે અંગે જાણ થતાં રાહત માટે દોડી આવેલા તરવૈયાઓએ ત્રણ જણાને બહાર કાઢી બચાવી લીધા હતા જ્યારે પ્રજાપતિ પરિવારના એક જ સમાજના ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. તે સમયે પાણીનો પ્રવાહ વધુ હોવાથી નદીના વહેણમાં તણાયા હતા. તેઓની સાથે બે પંડિત યુવાનો અને અન્ય એક વ્યક્તિ પણ તણાતાં ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી.

આ ઘટનાની જાણ થતા રાહત બચાવ માટે તરવૈયાઓની ટીમને કામે લગાડી હતી. સ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાંથી આઠ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનો તૈનાત કરવામાં આવી હતી. તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી સાત પૈકીના મેહુલભાઈ પંડિત, બંટીભાઈ પંડિત તથા અન્ય એક વ્યક્તિને બચાવી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે જિમીત નીતિનભાઇ પ્રજાપતિનો મૃતદેહ બહાર કઢાયો હતો. રાત્રિનો સમય થઈ જતાં બે જેસીબી, ચાર ટ્રેક્ટર વડે લાઇટ્‌સ ચાલુ કરીને શીતલબેન નિતેશભાઈ પ્રજાપતિ, દક્ષ નિતેશભાઇ પ્રજાપતિ અને નયન રમેશભાઈ પ્રજાપતિની રાત સુધી શોધખોળ હાથ ધરતાં બાકીના ત્રણેયના મૃતદેહ પણ મળી આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.