Western Times News

Gujarati News

ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ: ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ

File

(એજન્સી)ભરૂચ, ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી દરમિયાન છેલ્લા ૪ દિવસમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો.

હવે ગઈકાલે મોડી રાત્રે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં ટોળાં આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદિલી સર્જાતા રાત્રિના સમયે પોલીસનાં ધાડેધાડાં ઊતરી પડ્યાં હતાં અને ટોળાંને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભરૂચમાં ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ-એ- મિલાદનો તહેવાર આવી રહ્યો છે. આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાનાં ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાં વચ્ચે મારામારીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ સ્થળ પર પહોંચી પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.

ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.