Western Times News

Gujarati News

89 કરોડના ખર્ચે તૈયાર થયો પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રિ-લેગ એલિવેટેડ બ્રિજ

હવે પાલનપુર થઈને અંબાજી જતાં ટ્રાફિકની સમસ્યા રહેશે નહિં

બનાસકાંઠા: આખા ભારતમાં પ્રથમ ચેન્નઈ બાદ હવે બીજા નંબરે પાલનપુરમાં થ્રિલેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ 89.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બ્રિજ જમીનથી 17 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પાલનપુરની જી.પી. ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.

ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા બ્રિજ બનાવવામાં આવ્યો: પાલનપુર આરટીઓ સર્કલ ખાતે બનેલા આ એલિવેટેડ બ્રિજને ખુલ્લો મુકવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. વિશેષ ડિઝાઈનથી ખાસ તૈયાર કરેલ આ બ્રિજને ભાદરવી પૂનમ એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવે તેવી તૈયારીઓ તંત્રએ હાથ ધરી છે.

અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે પર વધતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે ખાસ ડિઝાઇનથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક તરફ આબુરોડ બીજી તરફ અંબાજી અને ત્રીજી તરફ અમદાવાદ તરફ જવા માટેના માર્ગ બનાવવામાં આવ્યા છે.

કેટલું મજબૂત છે આ બ્રિજ: આ એલિવેટેડ બ્રિજની મજબૂતાઈની વાત કરવામાં આવે તો 16000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ આ બ્રિજ બનાવવામા કરવામાં આવ્યો છે. આ બ્રિજ 951 મીટર લંબાઈના ત્રણ લેગમાં 79 પિલ્લર પર ઉભો કરાયો છે, તેમજ બ્રિજમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

અંબાજી તરફ જતા વાહન ચાલકોને પણ મોટી રાહત થશે: જોકે આ પહેલા આ બ્રિજ દુર્ઘટનાના પગલે ચર્ચામાં પણ આવ્યો હતો. થ્રીલેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના છ હેવી ગર્ડર તૂટી જતાં 2 યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા.

જોકે અંતે કામ પૂર્ણ થયું અને હાલમાં આ બ્રિજ તૈયાર થતા હવે લોકો માટે ભાદરવી પૂનમે ખુલ્લો મુકવામાં આવશે તેવી તમામ તૈયારીઓ થઈ રહી છે. આ એલીવેટેડ બ્રિજ બનીને તૈયાર થતા અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે પરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેમજ અંબાજી તરફ જતા વાહન ચાલકોને પણ મોટી રાહત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.