Western Times News

Gujarati News

અંબાજી પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે 50થી વધુ શેરી નાટક ભજવાશે

બહુચરાજી મંદિર તેમજ પ્લેનેટ હેલ્થ ગાંધીનગર ખાતે કાપડની બેગના બે ATM મશીનનું લોકાર્પણ કરાયું    

લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે.

જેના ભાગરૂપે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ ૧૦ બોલેરો ગાડી, ૧૦ ઈ-રીક્ષા તેમજ ઈ-બાઈકને પ્રસ્થાન કરાવવા આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં GPCB ગાંધીનગર ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આ વર્ષે એક નવતર પહેલના ભાગરૂપે અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે આ માટે વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે.   

મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે માં અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતા વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવો એ આપણા સૌની ફરજ છે. આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતા ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ પણ મંત્રીશ્રીએ આ પ્રસંગે કર્યો હતો.

મંત્રીશ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં ગુજરાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા સરકારની સાથે સમાજ પણ સહભાગી થઇ રહ્યો છે જે આપણા માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ‘સ્વચ્છતા મહાભિયાન’ યોજાવાનું છે ત્યારે આ સેવા કાર્યમાં જન ભાગીદારી વધે તે માટે આપણા સૌએ ખાસ પ્રયાસ કરવો પડશે તેમ, મંત્રીશ્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું સ્વચ્છ ભારત મિશન આજે સાચા અર્થમાં આજે જન આંદોલન બન્યું છે. અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા કચરાનો ત્વરિત યોગ્ય નિકાલ કરવા GPCB અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે તે સરાહનીય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની સાથે પર્યાવરણનો પણ જતન કરવું પડશે. પ્લાસ્ટિક બેગના સ્થાને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સેક્ટર-૨૧ ગાંધીનગરમાં પ્રથમવાર કાપડની થેલીનું ATM મુકવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના સ્વપ્નને સાકાર કરવા સોલર ઊર્જા સહિત વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો પડશે. ગ્રીન સિટી ગાંધીનગરની જેમ રાજ્યના તમામ શહેરોને હરિયાળા બનાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વધુ ને વધુ વૃક્ષો વાવવા સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઈકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.  

GPCBના અધ્યક્ષ શ્રી આર.બી.બારડે સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, આ મહામેળામાં ભાગ લેવા દર વર્ષે લાખો યાત્રીઓ પગપાળા અંબાજી આવે છે. વિવિધ સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓ માટે ખાણી-પીણી તથા આરામની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. આ માર્ગો પર વિવિધ પ્રકારનો કચરો એકઠો થાય છે કે જેનુ એકત્રીકરણ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે.

આ વર્ષે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા”નું આયોજન ગુજરાત ડાયસ્ટફ મેનેજમેન્ટ એસો. (GDMA) તથા નેપ્રા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું છે. રાજ્યના મહત્વના યાત્રાધામોમાં પ્લાસ્ટિકના વપરાશને રોકવા માટે કપડાની થેલીના એટીએમ મશીન લગાવવામાં આવ્યા છે. આવનાર એક માસમાં જુદા જુદા સ્થળે આવેલ અમૂલ પાર્લર પર કાપડની થેલી મળી રહે તે માટે ૨૫૦ જેટલા એટીએમ મશીન લગાવવાનું આયોજન છે.

રાજ્યના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવાની પહેલ કરાઈ છેજેના થકી ૯,૫૦૦થી વધુ બોટલ્સનું રિસાઇક્લિંગ કરાયું છે. બોર્ડ દ્વારા સદભાવના ફાઉન્ડેશન થકી સમગ્ર રાજ્યમાં ‌‌‌‌‌‌અંદાજે ૯૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે તેમ, તેમણે ઉમેર્યું હતું. GPCB સભ્ય સચિવ શ્રી ડી.એમ ઠાકરે આભારવિધિ કરી હતી.

પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના મુળુભાઈના હસ્તે બહુચરાજી મંદિર તેમજ પ્લેનેટ હેલ્થ ગાંધીનગર ખાતે કાપડની બેગના બે ATM મશીનનું ઈ-લોકાર્પણ કરાયું હતું.   

GPCBના કેમ્પસમાં મહાનુભાવોના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી તૈયાર કરાયેલ બેંચ અને વિવિધ આર્ટીકલના પ્રદર્શનને મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ શ્રી એન. શ્રીવાસ્તવ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના અધિકારી શ્રી યોગેશ કુમાર, GPCBના ઉચ્ચ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા GDMAના પ્રમુખ શ્રી દિપક પટેલ તેમજ NEPRAના પ્રમુખ સહિત ઔદ્યોગિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત
રહ્યા હતા.
       


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.