Western Times News

Gujarati News

પંજાબમાં NIAના દરોડા: અમૃતપાલ સિંઘના સમર્થકો ઉપર મોટી કાર્યવાહી કરાઈ

File

(એજન્સી)ચંદીગઢ, ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંઘના સમર્થકો વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન એનઆઈએએ અમૃતસરના બિયાસમાં પણ દરોડા પાડ્યા હતા. અમૃતપાલ સમર્થકનું અમૃતસર જિલ્લાના બિયાસમાં ઘર આવેલું છે.

ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંઘ ૨૦૨૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પંજાબની ખડુર સાહિબ સીટ પરથી અપક્ષ તરીકે જીત્યા છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ જેલમાં રહેલા અમૃતપાલે સુરક્ષા કર્મચારીઓની ભારે તૈનાતી વચ્ચે સાંસદ તરીકે શપથ લીધા હતા. કોર્ટે અમૃતપાલને લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ આપ્યા હતા.

ખાલિસ્તાનની વકીલાત કરતા અમૃતપાલ સિંઘ વિરુદ્ધ પંજાબના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૧ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેની સામે આસામના ડિબ્રુગઢમાં પણ ફોજદારી કેસ નોંધાયેલો છે.

નોંધનીય છે કે ડિબ્રુગઢ જેલની કોટડીમાંથી કેટલીક વાંધાજનક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી હતી જ્યાં અમૃતપાલ બંધ છે, ત્યારબાદ તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. ૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી ૩૦ માર્ચ, ૨૦૨૩ ની વચ્ચે, અમૃતપાલ વિરુદ્ધ પંજાબના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગંભીર કલમો હેઠળ ઘણા ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે.

આ કેસોમાં ૧૯ માર્ચ, ૨૦૨૩ ના રોજ અજનાલા પોલીસ સ્ટેશન પરનો હુમલો પણ સામેલ છે, જેમાં તેમના સમર્થકો ગેરકાયદેસર હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા અને હંગામો કર્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અમૃતપાલ અને તેના સહયોગીઓ સામેના કેસોમાં ધાર્મિક લાગણી ભડકાવવા, પોલીસકર્મીઓ પર હુમલો કરવો, લોકોને ધમકાવવો, બેફામ ગાડી ચલાવવી, ભડકાઉ નિવેદનો આપવા વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.