Western Times News

Gujarati News

અમદાવાદનો હાટકેશ્વર બ્રીજ રાષ્ટ્રીય મુદ્દો બન્યો 

રૂ.52 કરોડમાં હયાત બ્રીજ તોડી નવો બ્રીજ બનાવવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની નિષ્ક્રિયતા શાસક પક્ષને ભારે પડી-નવો બ્રીજ બનાવવા રૂ.44 કરોડ અને હયાત બ્રીજ તોડવા રૂ. 8 કરોડ ચુકવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા બ્રિજ મામલે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં થઈ જતા એના પરથી વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે છેલ્લા આઠ મહિનાથી આ બ્રિજ  “શોભા ના ગાંઠિયા” સમાન બનીને રહી ગયો છે.

હાટકેશ્વર બ્રિજ તોડવા માટે મ્યુનિસિપલ કોંગ્રેસ નેતા દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનરે પણ એપ્રિલ 2023 માં ત્રણ મહિનામાં તૂટી જશે તેવી જાહેરાત કરી હતી પરંતુ કમિશનના દાવા પણ પોકળ સાબિત થયા છે જેના કારણે હાટકેશ્વર બ્રીજ હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે અને સામસામે ટ્વીટ અને આક્ષેપ થઈ રહયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાટકેશ્વર બ્રીજ તોડી ત્યાંના સ્થળે નવો બ્રિજ બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લી વખતે જાહેર થયેલા ટેન્ડરમાં રૂપિયા 52 કરોડ ના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે.

પરંતુ વહીવટીતંત્ર અને શાસક પક્ષ દ્વારા યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી આમ અમને ઘણી જ અસમંજસ જોવા મળી છે તેમજ માત્ર બ્રિજ તોડવા માટે જ રૂપિયા 52 કરોડ ચુકવાશે તેવા અહેવાલ વહેતા થયા છે.

જેના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના સમયે જ હાટકેશ્વર બ્રિજના મુદ્દે  દિલ્હીથી એક્સ હેન્ડલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની સામે રાજયના ગૃહ મંત્રીએ પણ  કરીને વળતો પ્રહાર કર્યો છે હાટકેશ્વર બ્રિજ હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે પરંતુ તેના ટેન્ડર અંગે સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી વિવાદ જોર પકડી રહ્યો છે.

મ્યુનિસિપલ બ્રીજ પ્રોજેકટ ના અધિકારી જીગ્નેશ શાહનો હાટકેશ્વર બ્રીજ મામલે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બ્રીજ માટે કુલ 52 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. જેમાં જૂનો બ્રીજ તોડીને નવો બ્રીજ બનાવવામાં આવશે.

હાલ જે બ્રીજ છે તે રૂ.44 કરોડમાં તૈયાર થયો હતો તેથી તે સમયના જ એસ.ઓ.આર. મુજબ ગણતરી કરી નવો બ્રીજ બનાવવા રૂ.44 કરોડ અને હયાત બ્રીજ તોડવા રૂ. 8 કરોડ ચુકવવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશનરની નિષ્ક્રિયતા પણ આ વિવાદ માટે જવાબદાર છે .

જો તેમણે સમયસર સ્પષ્ટતા કરી હોત તો આટલો મોટો વિવાદ થાત નહિ. જે સમયે હાટકેશ્વર બ્રિજના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા તે સમયે વર્તમાન કમિશનર જ ડે.કમિશનર ઈજનેર પદ પર હતા તેમજ ટેન્ડર પણ તેમણે મંજુર કર્યા હતા. મ્યુનિસિપલ વિજિલન્સ વિભાગ ઘ્વારા પણ તે સમયે યોગ્ય રીતે સેમ્પલ પરીક્ષણ કર્યા નહતા જેના કારણે પણ ગુણવત્તા માં ચોરી થઈ હોવાનું માનવામાં આવે છે.

મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સત્તાધિશો દ્વારા દાવા કરવામાં આવે છે કે હાટકટેશ્વર બ્રિજ માટે થનાર રૂપિયા 52 કરોડનો ખર્ચે અજય ઇન્ફા.કંપની  તેના ખર્ચે બનાવવામાં આવશે.

પરંતુ સત્તાધીશો દ્વારા અજય ઈન્ફા. કંપની પાસેથી કોઈ લેખીતમાં એગ્રીમેન્ટ કરાવેલ છે કે નહી તેની માહીતી જાહેર કરવામાં આવી નથી. જે સાબીત કરે છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો શહેરની જનતાને ગેરમાર્ગે દોરી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન પલ્લવ ચાર રસ્તા બ્રિજ અજય ઇન્ફા. કંપની દ્વારા બનાવવામાં આવી રહયુ છે. પલ્લવ બ્રિજના પેમેન્ટમાંથી હાટકેશ્વર બ્રિજના 52 કરોડ રૂપીયા વસુલવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.