Western Times News

Gujarati News

આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના

પ્રતિકાત્મક

રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે.

આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કચેરીના વાળા હોય તેવા તમામ પોલીસ અધિકારીશ્રીએ દર સોમવાર અને મંગળવારે અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે.

આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીને સૂચનાઓ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.