Western Times News

Gujarati News

ન્યુયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખાયા

(એજન્સી)ન્યૂયોર્ક , વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસ પહેલા ન્યુયોર્કના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. મેલવિલેમાં સ્થિત મંદિરના રસ્તાઓ અને મંદિરની બહાર સાઈન બોર્ડને સ્પ્રે કરીને તેના પર અપશબ્દો લખવામાં આવ્યા છે.

મંદિર તોડફોડ બાબતે ભારતીય કોન્સ્યુલેટની આકરી નિંદા ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. તેમજ બીએપીએસએ શાંતિની અપીલ કરી છે.

લોંગ આઈલેન્ડ પર સફોક કાઉન્ટીમાં નાસો વેટરન મેમોરિયલ કોલિઝિયમથી લગભગ ૨૮ કિલોમીટર દૂર મેલવિલે શહેર આવેલું છે. આ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ સપ્ટેમ્બરે એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી ૨૧, ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે હશે. હિન્દુ અમેરિકન સંગઠને પણ આ હુમલાની નિંદા કરી છે તેમજ અમેરિકી સરકાર દ્વારા તપાસની માંગ કરી હતી.

એક અહેવાલ મુજબ, સંસ્થાએ ન્યાય વિભાગ અને ડીએચએસને મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરના હુમલા અને હિન્દુ સંગઠનોને આપવામાં આવેલી તાજેતરની ધમકીઓની તપાસ કરવા કહ્યું છે. ઉપરાંત, આ સપ્તાહના અંતે નાસો કાઉન્ટીમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ એક થવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.