Western Times News

Gujarati News

GCCI દ્વારા “બિલ્ડિંગ એ સેફ સોસાયટીઃ અવર કલેક્ટિવ ડ્યુટી” વિષય પર ચર્ચાનું આયોજન

GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 18મી સપ્ટેમ્બર, 2024ના રોજ “બિલ્ડિંગ એ સેફ સોસાયટીઃ અવર કલેક્ટિવ ડ્યુટી” વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું. પ્રસ્તુત સત્રમાં “ઉદયન કેર” તેમજ “ઉદયન શાલિની ફેલોશીપ” પણ સામેલ થયા હતા.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડૉ. જ્યોત્સના યાજ્ઞિક, પૂર્વ પ્રિન્સિપાલ જજ, ડૉ. લવિના સિન્હા, IPS, DCP (સાયબર ક્રાઇમ), ગુજરાત પોલીસ તેમજ ડૉ. પ્રશાંત ભીમાણી, જાણીતા મનોવૈજ્ઞાનિક ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનું સંચાલન જાણીતા કલાકાર અને મોડરેટર શ્રી ધ્વનિત ઠાકરે કર્યું હતું.

સહભાગીઓનું સ્વાગત કરતાં, GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ઉલ્લેખ કર્યો કે ઘર, કાર્યસ્થળ અને જાહેર સ્થળોએ પૂરું પાડવામાં આવેલ સલામત વાતાવરણ લોકોને તેઓને સોંપેલ કાર્ય સંપૂર્ણ ખંત થી પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે આ બાબતે વોચ વર્ડ “ઝીરો ટોલરન્સ” હોવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આપણા બધાજ કાર્યસ્થળમાં સલામતી, નિષ્ઠા અને શિષ્ટતાના સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કરવા ખુબ જ જરૂરી છે.

આ પ્રસંગે બોલતા BWC ચેરપર્સન પ્રાચી પટવારીએ જણાવ્યું હતું કે સલામતી એ એક વિસ્તૃત વિષય છે જેમાં કાર્યસ્થળ પર શિષ્ટતા, નૈતિક મૂલ્યોનું પાલન અને માનવ આત્માને તેની સર્વોચ્ચ સંભાવનાઓ સુધી ખીલવવા માટે સંવેદનાત્મક સ્વતંત્રતા પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અંગે જાગૃતિ લાવવા વિસ્તૃત ચર્ચાઓને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. તેઓએ ઉદયન શાલિની તેમજ ઉદયન ફેલોશીપ દ્વારા બાલિકાઓને સ્વરક્ષણ પરત્વે જાગૃત તેમજ સક્ષમ કરવા થઇ રહેલી વિવિધ પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી.

પેનલ ચર્ચા દરમિયાન નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી:

ડૉ. જ્યોત્સના યાજ્ઞિક, પૂર્વ મુખ્ય ન્યાયાધીશે સામાજિક સલામતીના પાયા તરીકેયુનિવર્સલ ડીક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (UDHR) ઉદાહરણ આપીને મજબૂત કાયદાકીય માળખાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

તેઓએ એ ઝડપી કાનૂની પ્રક્રિયાઓ અને કાયદાઓના મજબૂત અમલીકરણ દ્વારા ગુના પર કડક નિયંત્રણ પર ભાર મૂક્યો હતો અને  ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝડપી અને ન્યાય પ્રણાલી ગુના માટે ખાસ કરીને મહિલાઓ અને નબળા વર્ગસામેના ગુનાઓના કેસોમાં એક શક્તિશાળી અવરોધક તરીકે કામ કરે છે, કાયદાકીય છટકબારીઓ બંધ કરવા અને પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવું જોઈએ તેવું  જણાવ્યું હતું.

ડૉ. પ્રશાંત ભીમાણી, પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકે ગુનાહિત વર્તણૂકના મનોવૈજ્ઞાનિક મૂળ વિશે ચર્ચા કરી, સમજાવ્યું કે ઘણા ગુનેગારો મુશ્કેલીગ્રસ્ત પૃષ્ઠભૂમિ અથવા બાળપણના આઘાતમાંથી આવે છે. તેમણે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે મહિલાઓ માટે સન્માન અને બાળકોમાં સહાનુભૂતિ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગુનાહિત વૃત્તિઓના વિકાસને રોકવા માટે માનસિક સ્વાસ્થ્ય સહાય અને કાઉન્સેલિંગ દ્વારા વહેલા હસ્તક્ષેપની હિમાયત કરી હતી, એ વાત પર ભાર મૂક્યો હતો કે સકારાત્મક ઉછેર એ  સુરક્ષિત સમાજ ના ઘડતર માટે ચાવીરૂપ છે.

ડૉ. લવિના સિન્હા, IPS, DCP (સાયબર ક્રાઇમ), ગુજરાત પોલીસ, સાયબર ક્રાઇમના વિશે જણાવતા, છેતરપિંડી અને ઓનલાઇન હેરેસમેન્ટ સામે લડવા માટેના કાયદાકીય સલામતી વિષે માહિતી આપી હતી. તેઓએ ઓનલાઈન સલામતી વિશે વધુ જાહેર જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવાબદાર વર્તનને પ્રતિસાહન આપવાની જરૂર છે તેવું જણાવ્યું હતું.

તેઓએ પસાયબર ગુનાઓને રોકવા માટે ડિજિટલ સાક્ષરતા અને તકેદારીના મહત્વ વિષે પણ વાત કરી હતી. ચર્ચાનું સંચાલન જાણીતા કલાકાર અને મોડરેટર શ્રી ધ્વનીત ઠાકરે કર્યું હતું. GCCIના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.