Western Times News

Gujarati News

વિદ્યાએ એમએસ બ્લ્યૂ સાડી પહેરીને વિદૂષી સુબ્બુલક્ષ્મીને યાદ કર્યા

મુંબઈ, પંડિત જવાહરલાલ નહેરુએ જેમને ‘ધ કવીન ઓફ મ્યુઝિક’ કહ્યાં હતાં એવા કર્ણાટકી શાસ્ત્રીય સંગીતના ગાયિકા ભારત રત્ન એમ એસ સુબ્બુલક્ષ્મીનાં જન્મનું આ ૧૦૮મું વર્ષ છે. આ ખાસ ઉજવણીના ભાગરૂપે વિદ્યા બાલને સોશિયલ મીડિયા દ્વારા તેમને ખાસ ફોટોગ્રાફીક ટ્રીબ્યુટ આપી છે.

ખાસ વાત એ છે કે સુબ્બુલક્ષ્મીને બ્લ્યૂ કાંચીપુરમ સિલ્કની સાડી પહેરીને પર્ફાેર્મ કરવું બહુ ગમતું હતું અને તેમાં પણ એક ગળી બ્લ્યૂ પ્રકારનો શેડ તેમનો ખાસ પસંદગીનો કલર હતો, જે તેમની ઓળખ બની ગયો હતો અને તેથી તેને એમએસ બ્લ્યૂ કલર કહેવાતો.

વિદ્યાએ એમએસને શ્રદ્ધાંજલી આપવા આ રંગની સાડી પણ પહેરી હતી. પોતાની પોસ્ટની કૅપ્શનમાં વિદ્યાએ લખ્યું હતું,“આ ફીચરમાં એમ એસ અમ્માએ ૬૦ અને ૮૦ના દાયકામાં જે ચાર સાડીઓ પહેરીને તેને ખાસ લોકપ્રિય બનાવેલી એવી તેમની ઓળખ સમાન કોન્સર્ટનું ખાસ વ્યક્તિત્વ દર્શાવવાની કોશિશ કરી છે.

આ સમૃદ્ધ પરંપરા દર્શાવતી સાડીઓ એક તરફ તેમની ઓળખ હતી તો બીજી તરફ તેમના દેખાવની બીજી ઓળખ કપાળ પર રહેલો પરંપરાગત કુમકુમ અને વિભુતિનો ચાંલ્લો, નાકની બંને બાજુએ ખાસ પ્રકારની ચુંક તેમજ કોંડાઈ(અંબોડો)માં મોગરાની માલ્લિપૂ(વેણી)એ તેમની ઓળખ હતી.” એમ એસ સુબ્બુલક્ષ્મી એક માત્ર એવાં ગાયિકા છે, જેમના નામથી કોઈ રંગ લોકપ્રિય થયો હોય.

ત્યારે આ શૂટ કરનારાં પાર્થસારથીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “સિકિલ માલા ચંદ્રશેખર, દક્ષિણ ભારતીય કર્ણાટકી સંગીતના વાંસળીવાદક અને સુબ્બુલક્ષ્મીના પૌત્રવધુને આ સાડી એટલી ગમી ગઈ કે તેમણે પોતાના લગ્ન માટે તેની રેપ્લિકા બનાવડાવી હતી.

સુબ્બુલક્ષ્મીના કાર્યક્રમ દરમિયાનના જે કોઈ ફોટો છે, તે મોટા ભાગના બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફોટો છે, તેથી તમારે ચોક્કસ રંગ ઓળખવા ઘણા અઘરાં પડે.” તેમણે આગળ કહ્યું, “હસ્ત કારીગરોએ મને કહ્યું કે એમ એસ બ્લૂ કલરની ડાય બનાવવી ઘણી મુશ્કેલ છે.

તેથી કોઈ સીનિયર કારીગરના માર્ગદર્શન વિના ઘાટા અને આછા રંગનું મિશ્રણ કરવું શક્ય નથી.” આ પ્રોજેક્ટ માટે પાર્થસારથીને સુબ્બુલક્ષ્મીનાં પુત્રી રાધા વિશ્વનાથન અને ચંદ્રશેખરે ઘણી મદદ કરી, જેના કારણે તેઓ અમુક સાડીઓની રેપ્લિકા તૈયાર કરાવી શક્યા.

પાર્થસારથીએ એવું પણ કહ્યું હતું કે તેમણે એમ એસ બ્લ્યૂ સિગ્નેચર સાડી એમ એસ સુબ્બુલક્ષ્મીના અસલ કારીગર નલ્લી ચિન્નાસામી ચેટ્ટી પાસેથી મેળવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.