Western Times News

Gujarati News

એન.કે. પ્રોટીન્સ એરંડાના 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડશે

અમદાવાદ, એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ) જાહેર કર્યું હતું કે તે ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરશે. આ પહેલનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવાં મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને એન.કે. પ્રોટીન્સ ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

 આ પહેલના ભાગરૂપે ખેડૂતોને એરંડાની ડી-ઓઇલ્ડ કેક (ડીઓસી) (ખોળ) અને હાઇ-પ્રોટીન ડીઓસી મળશે, જે એરંડાના તેલની બાય પ્રોડક્ટ છે તથા તેનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. કંપની ખેડૂતોને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એલએફઓએમ) પૂરા પાડવાની પણ યોજના ધરાવે છે. કેસ્ટર ડીઓસી અને એલએફઓએમ જમીનનું માળખું સુધારે છે,

પાણી જાળવવાનું પ્રમાણ વધારે છે અને માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી છે. તે જમીનનું ધોવાણ પણ ઘટાડે છે અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો વધારે છે જેનાથી વધુ સારી પાકની ઉપજ તથા ગુણવત્તા મળે છે.

 એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે ગાંધીનગર ખાતે 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલાં ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024માં ભાગ લીધો છે. આ એક્ઝિબિશન દરમિયાન માહિતી આપતાં કંપનીની આ પહેલના પ્રવક્તા ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે “અમે એરંડાના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને વધુ ઉપજ મેળવવા અને નફાકારકતા વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જમીનના આરોગ્યમાં વધારો કરીને અને ખેડૂતોને વધુ સારા સંસાધનો સુલભ બનાવવાથી ઉત્પાદકતા તથા આવક બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારો લાંબા ગાળાનો ઉદ્દેશ ગુજરાતના કૃષિ સમુદાયમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને વ્યાપક કૃષિ-ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.”

દિવેલ ઉદ્યોગમાં અગ્રણી એન.કે. પ્રોટીન્સ દૈનિક 1,200-1,500 મેટ્રિક ટન (એમટી)ની સ્થાપિત પીલાણ ક્ષમતા સાથે દરરોજ લગભગ 600 એમટી કેસ્ટર ડીઓસીનું ઉત્પાદન કરે છે, જે પૈકી 30 ટકા હાઇ-પ્રોટીન ડીઓસી છે. આ ડેરિવેટિવ્સ સમગ્ર ગુજરાતમાં ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના એન.કે. પ્રોટીન્સના મિશનનો અભિન્ન ભાગ છે. હાલ ડીઓસીની દક્ષિણ કોરિયા, ચીન અને યુરોપિયન બજારોમાં નિકાસ કરવામાં આવે છે.

 ગુજરાત એ ભારતનું સૌથી મોટું એરંડાનું ઉત્પાદક છે. વર્ષ 2023-24માં ગુજરાતમાં કુલ એરંડાના બીજનો એકર વિસ્તાર 7.24 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે જે 2022-23માં 7.14 લાખ હેક્ટર કરતાં 1.4 ટકા વધ્યો છે. ઉત્પાદન પણ 2022-23માં 15.7 લાખ મેટ્રિક ટન (એમટી)થી વધીને 2023-24માં 16 લાખ એમટી સુધી પહોંચ્યું છે અને ઉપજ હેક્ટર દીઠ 2,196 કિલોગ્રામથી વધીને હેક્ટર દીઠ 2,206 કિલોગ્રામ થઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.