Western Times News

Gujarati News

એક AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક AI એટલે અમેરિકન ઇન્ડિયન: મોદી (જૂઓ વિડીયો)

આજે વિશ્વની દરેક મોટી મોબાઈલ બ્રાન્ડ ભારતમાં બને છે. આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક છે.

ભારત વૈશ્વિક દક્ષિણનો અવાજ બની રહ્યો છેઃ મોદી -NRI દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

ન્યૂયોર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. ન્યૂયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ હજારો લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ પછી અમેરિકાનું રાષ્ટ્રગીત અને પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.

અહીં વડાપ્રધાન મોદીએ એઆઈની નવી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું, એક એઆઈ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક એઆઈ એટલે અમેરિકન ઇન્ડિયન. અમે ફૂલની પાંચ પાંખડીઓને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. ત્યારબાદ પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો. તથા ૨૦૩૬ ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરવા અંગે પણ જણાવ્યું.

આગામી ઓલિમ્પિક્સ યુએસએમાં છે. ટૂંક સમયમાં આપણે ભારતમાં પણ ઓલિમ્પિકના સાક્ષી બનીશું. અમે ૨૦૩૬ ઓલિમ્પિક્સની યજમાની માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. રમતગમત હોય, વેપાર હોય કે મનોરંજન હોય, ભારત આકર્ષણનું કેન્દ્ર છે. આઈપીએલ વિશ્વની ટોચની લીગમાં સામેલ છે. ફિલ્મો ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે પણ ભારતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય તહેવારો ઉજવવાની સ્પર્ધા છે. નવરાત્રી માટે ગરબા શીખી રહ્યા છે. આ ભારત પ્રત્યેનો પ્રેમ છે. તમને એક વાત જાણીને આનંદ થશે કે ગઈકાલે જ અમેરિકાએ આપણી લગભગ ૩૦૦ જેટલી જૂની શિલાલેખ મૂર્તિઓ પરત કરી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ આવી ૫૦૦ હેરિટેજ ધરોહર ભારતને પરત કરી છે. આ કોઈ નાની વસ્તુ પરત કરવાની વાત નથી. આ આપણાં હજારો વર્ષોના વારસાનું સન્માન છે. માત્ર ભારતનું જ સન્માન નથી પરંતુ તમારું પણ સન્માન છે. ભારત-અમેરિકા ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. અમારી ભાગીદારી ગ્લોબલ ગુડ માટે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અગાઉ ભારતે સમાન અંતરની નીતિ અપનાવી હતી. હવે ભારત સમાન નિકટતાની નીતિને અનુસરી રહ્યું છે. ભારત વૈશ્વિક દક્ષિણનો અવાજ બની રહ્યો છે. ભારતની પહેલ પર, આફ્રિકન યુનિયનને જી-૨૦ સમિટમાં કાયમી સભ્યપદ મળ્યું, જ્યારે ભારત વૈશ્વિક મંચ પર કંઈક કહે છે, તો દુનિયા સાંભળે છે. થોડા સમય પહેલાં મેં કહ્યું હતું- આ યુદ્ધનો યુગ નથી. તેની ગંભીરતા બધાએ સમજી.

ગત વર્ષે જૂનમાં ભારતે સેમિ-કન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. તેના થોડા મહિના પછી માઈક્રોનના પ્રથમ સેમિ-કન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ પણ થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આવાં પાંચ એકમોને મંજૂરી આપવામાં આવી છે. તે દિવસ દૂર નથી જ્યારે તમે અહીં અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ જોશો. આ નાની ચિપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આ મોદીની ગેરંટી છે.

હવે ભારત પાછળ નથી રહેતું, નવી સિસ્ટમ બનાવે છે અને આગળ વધે છે. ભારતે દુનિયાને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો કોન્સેપ્ટ આપ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારતનું ૫જી માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું થઈ ગયું છે અને આ માત્ર બે વર્ષમાં જ થયું છે. હવે ભારત ‘મેડ ઇન ઇન્ડિયા’ ૬જી પર કામ કરી રહ્યું છે. અમે દરેક ક્ષેત્રને આગળ લઈ જવા માટે નીતિઓ બનાવી, અમે સસ્તા ડેટા પર કામ કર્યું.

આજે વિશ્વની દરેક મોટી મોબાઈલ બ્રાન્ડ ભારતમાં બને છે. આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક છે. એક સમય હતો જ્યારે આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે આપણે મોબાઈલની નિકાસ કરીએ છીએ. આજે ભારત પાછળ નથી રહ્યું, આજે ભારત આગળ છે, નવી વ્યવસ્થા બનાવે છે. ભારતે વિશ્વને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખ્યાલ આપ્યો.

ભારતનું યુપીઆઈ સમગ્ર વિશ્વને આકર્ષી રહ્યું છે. તમારા ખિસ્સામાં વોલેટ છે પણ ભારતમાં લોકો પાસે ઈ-વોલેટ છે. ભારતના લોકો પાસે ડિજિ લોકર છે. ભારત હવે રોકાશે નહી અટકશે નહીં. જે કામમાં પહેલાં વર્ષો લાગતાં હતાં તે હવે મહિનાઓમાં પૂર્ણ થઈ રહ્યું છે. આજે ભારતના લોકોમાં આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ છે, મંજિલ સુધી પહોંચવાનો ઈરાદો છે, ભારતમાં વિકાસ એ એક પીપલ્સ મૂવમેન્ટ બની ગઇ છે.

ભારત તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી પરંતુ તેને સર્જે છે. છેલ્લાં ૧૦ વર્ષોમાં ભારતમાં દરેક ક્ષેત્રમાં તકોના નવા લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યાં છે. માત્ર એક દાયકામાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે અમે અમારી જૂની વિચારસરણી બદલી છે. અમે ગરીબોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.