Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગે ૪.૫૦ લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા

અમદાવાદ, ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં, ૧૦ વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે, તો ઘણા ગામોમાં તમામ પાત્રતા ધરાવતી દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે.

આજે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ નિમિત્તે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના લગભગ ૫૦૦ ગામડાઓ સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત થયા છે.

આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્રતા ધરાવતી છોકરીઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. આટલું જ નહીં આ ગામડાઓમાં જો કોઈ ઘરમાં દીકરીના જન્મની જાહેરાત થાય છે તો પોસ્ટમેન તરત જ તેનું સુકન્યા ખાતું ખોલાવવા ત્યાં પહોંચી જાય છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે દીકરીઓના આર્થિક સશક્તિકરણ તરફ લેવાયેલા આ પગલા અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશની પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના ૪.૫૦ લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં ૧૫.૨૨ લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓ સુધી ઝુંબેશ ચલાવીને તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને તેની સાથે જોડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી ૨૦૧૫ માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં દસ વર્ષ સુધીની છોકરીઓ માટે ઓછામાં ઓછા રૂ. ૨૫૦ માં ખોલી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. ૨૫૦ અને વધુમાં વધુ રૂ. ૧.૫ લાખ જમા કરી શકાય છે. આ સ્કીમમાં ખાતું ખોલાવ્યા ના ૧૫ વર્ષ સુધી જ પૈસા જમા કરાવવાના રહેશે. જ્યારે દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે જમા રકમના ૫૦ ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલાવ્યાની તારીખથી ૨૧ વર્ષ થાય પછી આખી રકમ ઉપાડી શકાય છે..

હાલમાં વ્યાજ દર ૮.૨ ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની પણ જોગવાઈ છે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક, સામાજિક પરિમાણો પણ મહત્વપૂર્ણ છે. આમાં જમા રકમ ફક્ત દીકરીઓ માટે જ હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્નમાં ઉપયોગી થશે. આ યોજના દીકરીઓના સશક્તિકરણ દ્વારા ભવિષ્યમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.