Western Times News

Gujarati News

ઇઝરાયેલે લેબનોનમાં બોંબ વરસાવતાં વિશ્વ સ્તબ્ધ

બૈરુત, મધ્ય પૂર્વના દેશો લેબનોન અને ઈઝરાયેલ ૧૮ વર્ષ બાદ ફરી એકવાર સામસામે આવી ગયા છે. લેબનોનના સંગઠન હિઝબુલ્લાના સતત હુમલાના જવાબમાં ઈઝરાયેલે હવે હવાઈ હુમલા શરૂ કર્યા છે.

સોમવારે ઇઝરાયેલ એર ડિફેન્સ ફોર્સએ લેબનોનમાં હિઝબુલ્લાહની લગભગ ૧૬૦૦ જગ્યાઓ પર બોંબમારો કરતાં સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. મંગળવારે પણ ઇઝરાયેલ તરફથી ડઝનબંધ મિસાઇલો અને રોકેટ છોડવામાં આવ્યા હતા. લેબનોનના સ્વાસ્થ્યમંત્રી ફિરાસ અબિયાદના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ૫૫૮ લોકોના મોત થયા છે.

મૃતકોમાં ૫૦ બાળકો અને ૯૪ મહિલાઓનો સમાવેશ થાય છે. હુમલા દરમિયાન માર્યા ગયેલા મોટાભાગના લોકો તેમના ઘરમાં નિઃશસ્ત્ર હતા. ઈઝરાયેલના હુમલામાં ઘાયલોની સંખ્યા પણ ૨ હજારની નજીક પહોંચી ગઈ છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૧૮૩૫ લોકો ઘાયલ થયા છે.

આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબેનોનના લોકોને જણાવ્યું છે કે ઈઝરાયેલનું યુદ્ધ લેબનોનમાં હિઝબુલ્લા સાથે છે. તેથી લોકો આ યુદ્ધથી દૂર રહે. ઇઝરાયેલના હવાઈ હુમલા બાદ લેબનોને બુધવાર સુધી તમામ શાળા અને કોલેજો બંધ કરી દીધી છે.

બજારો અને જાહેર સ્થળો પણ બંધ છે. લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ઈઝરાયેલે આ ઓપરેશનને ‘નોર્ધન એરોઝ’ નામ આપ્યું છે. ઇઝરાયલની સેના આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લા દક્ષિણ લેબેનોનમાં ઘરોમાં મિસાઇલો છુપાવે છે અને તેમનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ કરવામાં આવે છે.

આ તાજા હુમલા પછી, હિઝબુલ્લાએ મંગળવારે કહ્યું હતું કે તેના ૧૮૦ શસ્ત્રો અને માનવરહિત હવાઈ યાન ઈઝરાયેલના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા અને ઈઝરાયેલી સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. જેના કારણે હૈફા શહેરમાં લોકોને પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગી જવાની ફરજ પડી હતી. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ પણ લેબનોન તરફથી હુમલાની પુષ્ટિ કરી છે.

ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે મંગળવારે સવારે ૧૦ મિનિટથી પણ ઓછા સમયમાં ઉત્તર ઇઝરાયેલમાં ૫૦થી વધુ શેલ છોડવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.