Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ જિતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી ૮ બાળકોના મોત

મુંબઈ, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં જિતિયા વ્રત ટાણે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બે અલગ અલગ ઘટનામાં તળાવમાં સ્નાન કરતી વખતે ડૂબવાથી આઠ બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકીઓને બચાવી લેવાઇ હતી. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક વહિવટી તંત્રની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગ્રામીણ લોકોની મદદથી બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. મળતી જાણકારી મુજબ, મદનપુરના બારુણ પ્રખંડમાં બે અલગ અલગ ઘટનામાં ડૂબી જતા ૮ બાળકોના મોત થયા છે. બારુણ પ્રખંડના જિતિયા ઉત્સવને લઇને પાંચ બાળકો તળાવમાં સ્નાન કરવા ગયા હતા.

જ્યાં સ્નાન કરતી વખતે એક પછી એક બધા બાળકો લપસીને ડૂબવા લાગ્યા હતા. આ સમયે ત્યાં હાજર અન્ય બાળકોએ હોબાળો કરતાં ગ્રામીણ લોકો બાળકોને બચાવવા તળાવમાં કૂદ્યા હતા. જો કે, તેઓ એક ૧૬ વર્ષીય બાળકી સિવાય અન્યને બચાવવામાં નિષ્ફળ ગયા હતા.

હાલ મૃતક બાળકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ૯ વર્ષ અને ૧૧ વર્ષની બે સગી બહેનો, એક ૧૨ વર્ષીય બાળકી અને એક ૧૦ વર્ષીય બાળકી સામેલ છે. બીજી ઘટનામાં, મદનપુરના કુસા ગામમાં તળાવમાં ડૂબવાથી એક ૧૦ વર્ષીય બાળક, બે ૧૨ વર્ષીય બાળકી અને એક ૧૩ વર્ષીય બાળકીનું મોત થયું છે.

આ ઘટનામાં ગ્રામીણો દ્વારા એક ૧૩ વર્ષીય બાળકીને બચાવી લેવાઇ હતી. હાલ આ બંને ઘટનાઓના પગલે સમગ્ર શહેરમાં તહેવાર ટાણે શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે એસડીએમ એ જણાવ્યું કે, મૃતક બાળકોના પરિજનોને વળતરના રૂપિયા આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.