Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: ૧૪ ફ્‌લાઈટ ડાયવર્ટઃ ૧૧ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ

મુંબઈ, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ગુરુવારે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત કેટલાંક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. સાથે-સાથે ૧૪ જેટલી ફ્લાઈટોને ડાયવર્ટ કરાઈ હતી. ભારે વરસાદનાં પગલે ટ્રેન સેવાને અસર પહોંચી હતી.

ભારે વરસાદના કારણે પાંચ વ્યક્તિનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુપણ બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતાં સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્ર ઉપરાંત ૧૧ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને પિંપરી-ચિંચવડની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

ગુરુવારે સાંજે લગભગ પાંચ કલાકમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં ૩.૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ પર નદીઓ વહી છે. પાણી ભરાવાને કારણે મોડી રાત સુધી વાહનો કેટલાય કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર ૧૪ ફ્‌લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. અંધેરીમાં એક મહિલાનું નાળામાં ડૂબી જવાથી મોત થયું હતું.

૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડતાં કદરસા અને સંગ્રામપુરા વિસ્તારની કેનાલોમાં પૂર આવ્યું હતું. બાળકો સ્કૂલમાં ફસાયા હતા. ફાયર વિભાગે બાળકોને બચાવી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે.
બુધવારે ભોપાલ અને ઈન્દોર સહિત મધ્યપ્રદેશના ૨૧ જિલ્લામાં વરસાદ પડ્‌યો હતો. ખંડવામાં ૯ કલાકમાં ૨.૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. રજિસ્ટ્રી ઓફિસમાં પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે (૧૨ સેમી) વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.