Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘વન ટેબલ- વન કરપ્શન’ની સ્થિતિ

વટવાના આવાસોની સ્થિતિ જેલ કરતા પણ બદતરઃ શહેજાદખાન

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરની સાબરમતી નદીના પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ ચાલી રહી છે. જેનો પરોક્ષ લાભ મ્યુનિ. કમિશનર લઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના ભ્રષ્ટાચારે તમામ સીમાઓ વટાવી અને ગરીબોના મકાનોને પણ છોડયા નથી તેવા આક્ષેપ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસના નેતા શહેજાદખાન પઠાણે આક્રમક રજુઆત કરતા જણાવ્યું હતું કે ર૦૧૪માં તૈયાર થયેલા ગરીબો માટેના ૧૮૦૦ મકાનોની ફાળવણી કરવામાં આવી ન હતી અંતે ર૦ર૩માં તેને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે ૧૬૦૦ જેટલા ગરીબ પરિવારોના માથા પરથી કમિશનરે છત્ર છીનવી છે.

હાલ આ વિસ્તારના આવાસોની સ્થિતિ જેલ કરતા પણ ખરાબ છે. પારાવાર ગંદકી, કચરાના ઢગલા, પ્રદુષિત પાણી અને પ્રદુષિત હવા વચ્ચે સ્માર્ટ સીટીના નાગરિકો નર્કાગાર જીંદગી જીવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશનના આવા જ બીજા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ હાટકેશ્વર બ્રીજ છે. ર૦૧૭માં તૈયાર કરવામાં આવેલ આ બ્રીજ છેલ્લા બે વર્ષથી ખખડજ હાલતમાં ઉભો છે.

મ્યુનિ. કમિશનરે લગભગ દોઢ વર્ષ અગાઉ આ બ્રીજ માત્ર ત્રણ મહિનામાં જ તોડી પાડવા માટે જાહેરાત કરી હતી પરંતુ તેનો પણ અમલ થયો નથી. ચોંકાવનારી બાબત એ છ કે ર૦૧૯ થી ર૦ર૪ સુધી કોર્પોરેશન દ્વારા રપ બ્રીજના કામ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર ભાવ વધારા પેટે જ ર૧ર કરોડ કરતા વધુ રકમ ચુકવવામાં આવી છે.
સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં ચાલતી પીઆઈએલના પરોક્ષ લાભ કમિશનર, કોન્ટ્રાકટર અને અધિકારીઓ લઈ રહયા છે.

કમિશનર દ્વારા છેલ્લે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ અને સ્ટેન્ડિગ કમિટિમાં રૂ.૩૦૪ કરોડના કામ પીઆઈએલના નામથી મુકવામાં આવ્યા હતા. આ તમામ કામોની દરખાસ્તમાં હાઈકોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેની સીધેસીધી જવાબદારી કમિશનરની બને છે.

જો આ કામો થયા બાદ પણ નદીમાંથી પોલ્યુશન ઓછુ ન થાય તો તેના માટે કમિશનરે જવાબ આપવાનો રહેશે. અત્યારે કોર્પોરેશનમાં ‘વન ટેબલ વન કરપ્શન’ ચાલી રહયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.