Western Times News

Gujarati News

વધુ એક હિઝબુલ્લાનો ખતરનાક કમાન્ડર ઠાર: નસરુલ્લાહનો મૃતદેહ મળ્યો

હિઝબુલ્લાનું નામ-નિશાન મિટાવી દઈશું: ઈઝરાયેલ

(એજન્સી) જેરૂસાલેમ, ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. Hezbollah commander Nasrullah

મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે (૨૯ સપ્ટેમ્બર) કહ્યું છે કે, ‘અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે.

સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે.’ જોકે ઈઝરાયલે કૌકને ઠાર કર્યો હોવાના દાવા પર હિઝબુલ્લા તરફથી કોઈપણ ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરોને ઠાર કર્યા છે. સેનાએ લેબેનોના શહેર બૈરૂતમાં શુક્રવારે એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાનો નેતા હસન નસરુલ્લાનું પણ મોત થયું છે.’

છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હીઝબુલ્લાહનું મુખ્ય મથક ઈઝરાયલના લક્ષ્ય પર છે, જ્યાં હિઝબુલ્લાના કેટલાક ટોચના નેતા બંકરમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ઈઝરાયેલે ગઈકાલે પ્રચંડ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.

હિઝબુલ્લાનો વડો નસરલ્લાહ ઈઝરાયલી હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલને હિઝબુલ્લાએ પણ સમર્થન આપ્યું હતું. ઇઝરાયલે શુક્રવારે કરેલા હુમલામાં હિઝબુલ્લાહનો વડો, નસરલ્લાહ, તેની પુત્રી ઝૈનાબ, કમાન્ડર અલી કારસી, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો ડેપ્યુટી અધિકારી અબ્બાસ સહિત ૧૧ના મોત થયા છે અને ૧૦૮ને ઇજા થઈ છે. નસરલ્લાહ ૩૨ વર્ષથી હીઝબુલ્લાહનું નેતૃત્વ પદ સંભાળતો હતો.

ઈઝરાયેલએ હીઝબુલ્લાહના હથિયારોના ડેપોને ઉડાવી દીધા છે જેના કારણે હીઝબુલ્લાહના લડાકુઓ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. બીજી બાજુ ઈઝરાયેલએ આજે પણ સતત હુમલા ચાલુ રાખ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે એક પણ દુશ્મનને અમે છોડીશું નહીં. નસરુલ્લાહ પછી હિઝબુલ્લાહના અન્ય કમાન્ડરો નિશાના પર છે હાલમાં આ તમામ લોકોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. પરંતુ ઈઝરાયેલ તેઓની ઉપર સતત વોચ રાખી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.