Western Times News

Gujarati News

વડોદરામાં રસ્તો ક્રોસ કરતો મગર નજરે પડ્યો

વડોદરા અને ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

અમદાવાદ, રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ વરસાદી રાઉન્ડમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ક્યાંક જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ ચાલુ થયો છે. ભારે વરસાદને પગલે શેરીમાં પાણી ભરાવતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે.

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. આજે સવારથી વરસાદે થોડો વિરામ લીધા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં જ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નાગરિકોની ચિંતા વધી રહી છે.

વડોદરા શહેરના રાજમાર્ગો પર અવાર નવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બાબત છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમ્યાન નદી તળાવોના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે. હાલ વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. તેવામાં લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ફુલબાગ, જગતનાકા, માંજલપુર, જેવા આંબેડકર સર્કલ, પાણીની ટાંકી, વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોરમાં ભારે વરસાદ ચોપડી રહ્યો છે. ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે, આજે પણ વડોદરામાં ભારે વરસાદની આગાહી છે.

નોંધનીય છે કે, ગયા વખતે વરસાદી રાઉન્ડમાં ઉપરવાસના ભારે પાણીની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. જેના પાણી શહેરમાં ફરી વળતા વડોદરા ડૂબી ગયું હતું. ત્યારે આ વખતે એવી કોઈ સ્થિતિ ન બને તે માટે વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.

વિશ્વામિત્રી નદીમાં જળસ્તર પાર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. જેમાં સતત વરસાદની સ્થિતિ અને જળસ્તર પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે અત્યાર સુધીમાં તો શહેરમાં વરસાદને કારણે ઢીંચણ સુધી પાણી ભરાયા છે. અલકાપુરી ગરનાળામાં પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હજુ પણ ગુજરાતમાં ૨ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હજું ૨૪ કલાક માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં ૭ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ગઈકાલે (શનિવાર) બપોર બાદ વરસાદ શરૂ થતાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે બાદમાં પણ અવિરત શરૂ રહેતા વધુ ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહુવાના કોલેજ રોડ, ગાંધીબાગ, ગોકુળનગર, પરશુરામ ચોક, જનતા પ્લોટ અને સ્વામિનારાયણ મંદિર રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મહુવા શહેર અને પંથકમાં સારો વરસાદ પડતાં નદી નાળા છલકાય ગયા છે. ધોધમાર વરસાદના પરિણામે તાલુકાના બગડ, રોજકી અને માલણ ડેમ ઓવરફ્લો થયા હતા. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં ૨૪ કલાક દરમ્યાન વરસાદ નોંધાયેલો હતો. ભાવનગર શહેર જિલ્લામાં બપોર બાદ મેઘો ફરી મંડાયો હતો.

જિલ્લામાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે અનરાધાર બેટિંગ નોંધાવી હતી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો હતો. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા.

ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ એવરેજ ૭૮૮.૪ મી.મી. વરસાદ નોંધાયો છે. ૮ કલાકમાં મહુવા ૭ ઇંચ, જેસરમાં ૩.૫ ઇંચ, તળાજામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે ૬ થી ૧૦ દરમ્યાન ૪ કલાકમાં વલભીપુરમાં ૩.૫ ઇંચ, ઉમરાળામાં ૪ ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, ઘોઘામાં ૨.૫ ઇંચ, સિહોરમાં ૩ ઇંચ, ગારિયાધારમાં ૧.૨ ઇંચ જ્યારે પાલિતાણામાં ૩.૨ ઇંચ વરસાદ નોંધાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.