Western Times News

Gujarati News

સરકાર અને નાગરિકો વચ્ચે સીધો સંબંધ-સંવાદ પ્રસ્થાપિત કરતો સંવેદનશીલ સેતુ એટલે ‘સેવાસેતુ’ કાર્યક્રમ

‘સરકાર આપને દ્વાર’ સૂત્ર સાથે 2016થી સરકારની યોજનાઓ અને સેવાઓના લાભો લોકો સુધી પહોંચાડતો કાર્યક્રમ

31 ઓકટોબર સુધી રાજ્યમાં યોજાઈ રહ્યો છે સેવાસેતુ કાર્યક્રમનો દસમો તબક્કો

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અને સેવાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ તરીકે સ્વીકારવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના ઘરઆંગણે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુસર તાલુકા કક્ષા ઉપરાંત શહેરી વિસ્તારો માટે એટલે કે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ વર્ષ 2016થી “સેવાસેતુ” કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ વર્ષે પણ રાજ્યભરમાં 31 ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સરકાર આપને દ્વાર’ સૂત્ર સાથે વર્ષ 2016માં શરૂ થયેલા આ કાર્યક્રમના રાજ્યમાં અત્યાર સુધી 9 તબક્કા યોજાઈ ચૂક્યા છે અને ચાલુ વર્ષે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

સેવાસેતુનો હેતુ

  • નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતનો ત્વરિત ઉકેલ લાવવો
  • રાજ્ય સરકારની 55 જેટલી સેવાઓ અને યોજનાઓના લાભો નાગરિકોને તેમના સ્થળે પૂરા પાડવા
  • પ્રો-પીપલ, પ્રો-એક્ટિવ ગવર્નન્સ થકી લોકકલ્યાણ અર્થે લોકાભિમુખ વહીવટનું આયોજન
  • નાગરિકોને અરજીઓના નિકાલ માટે વિવિધ કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળે છે.
  • રાજ્ય સરકારની યોજનાઓની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારી દ્વારા “સેવાસેતુ” કાર્યક્રમના માધ્યમથી નિકાલ કરી શકાય તેવા પ્રશ્નો, રજૂઆતોનો સ્થળ ઉપર ત્વરિત ઉકેલ

સેવાસેતુ કાર્યક્રમનું આયોજન અને સફળતા

રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમનો રાજ્યના 18,000 ગામડાં અને શહેરી વિસ્તારોને આવરી લઈ સઘન રીતે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 ગામના ક્લસ્ટર પૈકી એક ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓની ટીમ સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કેમ્પ ગોઠવીને નાગરિકોને સેવાઓનો લાભ આપવામાં આવે છે.

અત્યાર સુધી સેવાસેતુ કાર્યક્રમોમાં કુલ 2,89,98,349 અરજીઓ માંથી 2,89,65,064 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે કુલ અરજીના 99.98 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમના નવ તબક્કા યોજાયા છે. જેમાં 2,89,00,000 થી વધારે પ્રજાજનોને તત્કાલ સ્થળ ઉપર સેવાનો લાભ પ્રાપ્ત થયો છે.

સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને મળતા લાભો

  • આવક, જાતિ, ક્રીમી લેયરને લગતા દાખલાઓ
  • રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં સુધારો કરવો (નામ, અટકમાં સુધારો તથા ક્લેરીકલ ભૂલ માટે), રેશનકાર્ડ ધારકોની e-KYC કરવા અંગેની સેવા
  • જાતિ પ્રમાણપત્ર,
  • આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા (અપડેશન) કરવા
  • દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પી.એમ.જે.મા (અરજી), હેલ્થ વેલનેશ કાર્ડ (ડાયાબિટીઝ અને બી.પી.ની.ચકાસણી), જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • ઘરેલુ નવા વીજ જોડાણ અરજી
  • મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું,
  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, કેશલેસ લીટરેસી (ડિજિટલ ટ્રાન્ઝેક્શન લીટરસી)
  • મહેસૂલ વિભાગ અંતર્ગતની 7/12, 8અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકોર્ડ માટે વારસાઈ અરજી
  • મિલકત આકારણીનો ઉતારો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર
  • કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ અને સહકાર વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભ માટેની અરજીઓ
  • રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના (રાજ્ય સરકારની યોજના), રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), બસ કંસેસન પાસ દિવ્યાંગો માટે, UDID કાર્ડનું રજીસ્ટ્રેશન

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.