Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશનરે માત્ર બે ટેન્ડરમાં જ વર્લ્ડ બેંકની પ૦ ટકા લોન ખર્ચ કરી

રૂ.૧૩૦૦ કરોડ જેટલી માતબર રકમ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા માટે તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા બે જ ટેન્ડરોમાં ખર્ચ થઈ છે.

એસટીપીના નવા ટેન્ડરોમાં ZLD ટેકનોલોજીને કોરાણે મુકાઈ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની સુઅરેજ સીસ્ટમને અપગ્રેડ કરવા વર્લ્ડ બેંક તરફથી રૂ.ર૧ કરોડની લોન આપવામાં આવી છે જેમાં ડ્રેનેજ લાઈન તેમજ હયાત એસટીપીને અપગ્રેડ કરવાના કામોને પ્રાથમિકતા આપવા માટે જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીના સંદર્ભમાં કોર્પોરેશને ખાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે તેમજ તેને હાઈકોર્ટમાં સબમીટ પણ કરી છે.

વર્લ્ડ બેંક તરફથી કરોડો રૂપિયાની લોન મળી હોવાથી મ્યુનિ. કમિશનર અને તેમના અંગત કહી શકાય તેવા કેટલાક લોકોએ વિચાર કર્યાં વિના જ એસટીપી અપગ્રેડ કરવા માટે ટેન્ડરો જાહેર કર્યા હતાં તેમજ તેને મંજુરી આપી હતી.

માત્ર બે જ ટેન્ડરમાં વર્લ્ડ બેંકની પ૦ ટકા જેટલી લોન ખર્ચ થઈ જાય તેમ છે. અંતે કેટલાક અનુભવી અને નિષ્ણાંતોની શીખામણ બાદ કમિશનરના પગ જમીન પર આવ્યા છે અને બેફામ ખર્ચના બદલે વ્યવસ્થિત ખર્ચ તરફ ધ્યાન આપી રહયા હોવાની ચર્ચા થઈ રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા માટે તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા બે જ ટેન્ડરોમાં રૂ.૧૩૦૦ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ થઈ છે. પ્રથમ ટેન્ડરમાં રૂ.૩૭પ એમએલડીનો પ્લાન્ટ તૈયાર કરવાના છે જેમાં હયાત ૧ર૬ એમએલડીનો પ્લાન્ટ બનાવ્યા બાદ જુનો પ્લાન્ટ તોડવા તથા નવો રપ૦ એમએલડીનો પ્લાન્ટ બનાવવાનો સમાવેશ થાય છે.

જેના માટે ખીલારી ઈન્ફ્રા/ એન્વાયરો કંપનીના રૂ.૭૦૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જયારે ૪ર૪ એમએલડી ક્ષમતાના પ્લાન્ટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે જેમાં એલએન્ડટી કંપનીના સૌથી ઓછા રૂ.૬૦૦ કરોડના ભાવ આવ્યા છે તેમાં પણ નવા સ્ટ્રકચર તૈયાર કરવાના છે. બંને ટેન્ડરમાં ટેકનીકલ શરતો એક સમાન છે અને એનજીટીના નિયમ મુજબ પેરામીટર્સ મેળવવાના છે.

તેમ છતાં ૪ર૪ એમએલડી પ્લાન્ટ કરતા ૩૭પ એમએલડી પ્લાન્ટમાં રૂ.૧૦૦ કરોડ વધુ ચુકવાયા છે. જે બાબત પણ ચર્ચાનો વિષય બને છે. ચોંકાવનારી બાબત એ છે કે થોડા દિવસો પહેલા એસટીપી વિભાગ દ્વારા ર૪૦ એમએલડી પ્લાન્ટને અપગ્રેડ કરવા માટેનું ટેન્ડર રૂ.૧૦૮ કરોડમાં મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ આ પ્લાન્ટ માટે અગાઉ રૂ.૩૬૦ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી ઓછો ભાવ આપનાર રાજકમલ બિલ્ડર્સે અંદાજ કરતા વધુ ભાવ ભર્યા હતા.

જાણકારી મુજબ રૂ.૩૬૦ કરોડના અંદાજ સામે રૂ.પ૬૦ કરોડના ભાવ આપવામાં આવ્યા હતા. જેને મંજુરી પણ મળી જાય તેમ હતું પરંતુ મ્યુનિ. કોર્પોરેશન અને શહેરીજનોના સદનસીબે કેટલાક અનુભવી અને નિષ્ણાત લોકોએ કમિશનરને સાચી સલાહ આપતા આ ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યું છે. એટલું જ નહી પણ અન્ય ટેન્ડર પણ ઓછા ભાવથી મંજુર થઈ રહયા છે. અહીં નોંધનીય બાબત એ છે કે ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી ર૦રરમાં આપેલા ઓર્ડર મુજબ તમામ એસટીપીમાં ઢન્ડ્ઢ ટેકનોલોજીનો ઉપયોગ કરવો ફરજીયાત છે પરંતુ અહીં કરોડો રૂપિયા ખર્ચ થયા બાદ પણ માત્ર એનજીટીના પેરામીટર્સને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ઢન્ડ્ઢ માટે કોઈ જ ચર્ચા થતી નથી.

મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા જે રૂ.પ૬૦ કરોડ કરતા વધુ રકમનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું તે જ ટેન્ડર માત્ર રૂ.૧૦૮ કરોડમાં થોડા દિવસો પહેલા જ મંજુર કરવામાં આવ્યું છે આટલા મોટા તફાવતનું મુખ્ય કારણ કમિશનરમાં રહેલ દ્વીધ દ્રષ્ટીનો અભાવ અને માનીતા કોન્ટ્રાકટરોને ઘી કેળા કરી આપવાની નીતિ હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.

આજ પધ્ધતિથી ૭૦ એમએલડી વિંઝોલનું ટેન્ડર માત્ર રૂ.પ૦ કરોડમાં અને પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટનું ટેન્ડર માત્ર રૂ.૭પ કરોડમાં મંજુર કરવામાં આવ્યું છે. ભાવમાં આટલા મોટા તફાવતનું મુખ્ય કારણ કમિશનર તમામ પ્લાન્ટ તોડીને નવેસરથી બનાવવા માટે તરફેણ કરી રહયા હતા પરંતુ તમામ પ્લાન્ટ તોડવાના બદલે માત્ર મશીનરી અપગ્રેડ કરી એનજીટીના નિયમ મુજબ પેરામીટર્સ મેળવવા જરૂરી છે તેવી સાચી શીખામણ મળ્યા બાદ કમિશનરે વિચાર બદલ્યો છે અને વર્લ્ડ બેંકના પૈસા ધુળધાણી થતા અટકયા છે.

અત્રે નોંધનીય છે કે વર્લ્ડ બેંકની લોન મંજુર થયા બાદ કમિશનરે તેમની માનીતી કંપની એન્વાયરોના ફાયદા માટે એક નવી જ સ્કીમ બનાવી હતી જેમાં પીરાણા ખાતે ર૪૦ એમએલડી પ્લાન્ટ નવેસરથી બનાવવો અને ૧૬૦ એમએલડી ટર્સરી પ્લાન્ટ તૈયાર કરવાનો હતો જેમાં રૂ.૭૮૦ કરોડના ટેન્ડર મંજુર થયાહતાં.

ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોન્ટ્રાકટરને દૈનિક રૂ.૬૦ લાખ ચુકવવાની શરત હતી જે બાબત સત્તાધારી પાર્ટીને ધ્યાનમાં આવતા બંને કામના ટેન્ડર રદ કરવામાં આવ્યા છે અને માત્ર ર૪૦ એમએલડી પ્લાન્ટનું નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવશે. અહીં પણ વર્લ્ડ બેંકની લોનના રૂપિયા વેડફાતા અટક્યા છે.

જોકે હાઈકોર્ટની પીઆઈએલના નામ સાત દિવસ અગાઉ વાસણા અને પીરાણામાં બે લગુન બનાવવા કામ મંજુર થયા છે જેના માટે લગુન દીઠ રૂ.૪ કરોડનો ખર્ચ થશે. અહીં પણ ચોંકાવનારી બાબત એ છે કે બંને સ્થળે લગુન હયાત છે પરંતુ તેમાંથી સોલીડ વેસ્ટ બહાર કાઢવામાં ન આવ્યો હોવાથી લગુનના ખાડા પુરાઈ ગયા છે તેથી હવે તેમાંથી માત્ર સોલીડ વેસ્ટ કાઢી નવી લાઈનો નાંખવાની છે જેના માટે લગુન દીઠ રૂ.૪ કરોડની માતબર રકમ ચુકવવા કમિશનરે મંજુરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.