Western Times News

Gujarati News

સાદરા ગામ નજીક રેતીની ચોરી કરતા બે ટ્રેકટર ઝડપી લેવાયા

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભુસ્તર કચેરી દ્વારા સઘન ચેકિંગ સાથે ખાનગી રીતે પણ તપાસ કરીને ખનીજ ચોરીને અટકાવવા માટે તેમની ટીમો સક્રિય કરી છે. સોમવારે સાદરા ગામ નજીકથી સાદી માટીની ખનીજ ચોરી કરતા બે ટ્રેકટરને બાતમીના આધારે ભુસ્તર વિભાગે ઝડપી લીધા હતા.

જિલ્લામાં ખનીજ ચોરી કરતા રેત માફિયાઓ સામે ગાંધીનગર જિલ્લા કલેકટરે લાલ આંખ કરી છે. કલેકટરે ગાંધીનગર જિલ્લાની હદમાં ખનીજ ચોરી ને ડામી દેવા માટે ભુસ્તર અધિકારીને ખાસ સૂચના આપી છે કે, જિલ્લામાં ખનીજ ચોરી સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. આવા શખ્સો સામે કડક હાથે પગલાં લેવા અને બિનઅધિકૃત રીતે વધુ રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ લઈ જતા વાહનોને પણ પકડી પાડવા માટેની સૂચના આપવામાં આવી છે.

દરમિયાન સોમવારે સાદરા ગામ નજીક સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી જિલ્લા કલેકટર મેહુલ દવેને મળી હતી. તેની સાથે કલેકટરે આ અંગે ભુસ્તર કચેરીની ટીમને તાબડતોડ દરોડો પાડવા આદેશ કર્યો હતો. ત્યારે તંત્ર દોડતુ થયું હતું અને ખનીજ ચોરી કરતા બે ટ્રેકટરોને તેમના ચાલક સાથે પકડી પાડયા હતા.

સાદરા ગામની સાબરમતી નદીના પટમાંથી બિન અધિકૃત સાદી રેતી ખનિજનું ખનન કરતા ટ્રેકટરના માલિક કૈલાસબેન વિનુભાઈ ઓડ (રહે. સાદરા)અને બીજા એક ટ્રેકટરના માલિક પ્રહલાદભાઈ ભવરાજી વણઝારા (રહે. સાદરા)ને પકડવામાં આવ્યા છે. જે બંને વાહનોને ચિલોડા ચેકપોસ્ટ ખાતે સીઝ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.