Western Times News

Gujarati News

તહેવારો દરમિયાન, ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 6,000થી વધુ ટ્રીપ ચલાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વે દ્વારા 86 તહેવાર વિશેષ ટ્રેનો સાથે વિવિધ સ્થળોએ 1,380 થી વધુ ટ્રિપ્સ ચલાવવામાં આવી રહી છે.

ભારતીય રેલ્વે આ વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ અવરજવર માટે 519 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આ વિશેષ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે ચલાવવામાં આવશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે દ્વારા દર વર્ષે તહેવારોના અવસર પર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે. આ વર્ષે આ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 1,382 ટ્રીપ્સ ચલાવી રહી છે, જે સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારોમાં લાખો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની વિશાળ ભીડને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે, રેલ્વેએ આ વર્ષે પણ વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે.

બે મહિનાના સમયગાળા દરમિયાન, આ વિશેષ ટ્રેનો અંદાજે 6000 ટ્રીપ કરશે અને મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડશે. ગયા વર્ષે પણ ભારતીય રેલ્વે દ્વારા મોટી સંખ્યામાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને આ ટ્રેનોએ કુલ 4,429 ટ્રીપ કરી હતી, જેના દ્વારા લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીની સુવિધા મળી હતી.

સ્વાભાવિક છે કે, દર વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના અવસર પર દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જાય છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે, આ તહેવારો માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતા પરંતુ પરિવારોને મળવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

દર વર્ષે તહેવારોમાં મુસાફરોના ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તહેવારોના અવસરે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

આ વર્ષે, પશ્ચિમ રેલ્વેએ 86 વિશેષ ટ્રેનોને સૂચિત કરી છે, જે 1,380 થી વધુ ટ્રિપ્સ કરશે. ગયા વર્ષની સરખામણીમાં, પશ્ચિમ રેલ્વેએ તહેવારોની મોસમ દરમિયાન મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા માટે 21 વધુ ટ્રેનો ઉમેરી છે અને અંદાજે 270 વધારાની ટ્રિપ્સ વધારી છે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ વગેરે સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે મુંબઈથી દેશના વિવિધ સ્થળો માટે 14 જોડી વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.

તેવી જ રીતે, મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 20 જોડી વિશેષ ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરેથી અને મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર અને ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.