Western Times News

Gujarati News

નિર્ભયા કેસઃ માતાને મળીને અપરાધી મુકેશ રડી પડ્યો

ચારેય દોષિતોના વર્તનમાં જોરદાર ફેરફારો થયા
નવીદિલ્હી,  ફાંસીની તારીખ અને સમય નક્કી થઈ ગયા બાદ નિર્ભયાના દોષિતોની હાલત ખરાબ થઈ રહ છે. આના કારણે ચારેયના વર્તનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. ચાર પૈકી ત્રણ હિંસક બની ગયા છે. જ્યારે ચોથા અપરાધીમાં શાંતિ જોવા મળે છે. અપરાધી મુકેશને તેની માતાને મળવાની મંજુરી આપવામાં આવી હતી. સજા બાદથી મુકેશના વર્તનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબ માતાને મળ્યા બાદ મુકેશ ભાવનાશીલ બની ગયો હતો અને કેટલીક વખત રડી પડ્યો હતો.

ત્યારબાદ તેની માતાએ ક્યુરેટિવ અને દયાની અરજીના વિકલ્પને લઈને વાત કરી હતી. જેથી તે થોડોક શાંત દેખાયો હતો. મળેલી માહિતી મુજબ મુકેશે તેના પિતા અને ભાઈના સંદર્ભે વાત કરી હતી. જેલ અધિકારીઓના કહેવા મુજબ હજુ આ છેલ્લા મુલાકાત જેવી નથી. નિયમો મુજબ તેમને સપ્તાહમાં બે વખત પરિવારને મળવાની મંજુરી આપવામાં આવી છે. ફાંસીથી પહેલા છેલ્લી મુલાકાત ક્યારે રહેશે તે અંગે માહિતી આપવામાં આવશે. ફાંસી થયા બાદ પરિવારના સભ્યો દોષિતો સાથે જોડાયેલી ચીજવસ્તુ લઈને જઈ શકશે. જેલ સુત્રોના કહેવા મુજબ નિર્ભયાના ચારેય દોષિતો જેલમા કોઈને પણ સાથે વાતચીત કરતા નથી. મુકેશ, અક્ષય, પવન બુધવારના દિવસે જેલના કર્મીઓ સાથે બોલાચાલી કરતા નજરે પડ્યા હતા. મારામારી સુધીની સ્થિતિ સર્જાઈ હતી. ભોજનને લઈને આ સ્થિતિ સર્જાઈ હતી.

વિનય શર્મા હાલ શાંત દેખાઈ રહ્યો છે. ફાંસીથી પહેલા જેલ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ધાર્મિક પુસ્તકો પણ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આરોગ્યની ચકાસણી પણ દરરોજ થઈ રહી છે. ફાંસી માટે તેમના વજનને જાળવી રાખવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. નિર્ભયાના દોષિતોના વર્તનને લઈને જેલના કર્મચારીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, ૨૨મી જાન્યુઆરીની તારીખ તેમના માટે નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ ફાંસીની સજાનો સામનો કરી રહેલા બે દોષિતો વિનય શર્મા અને મુકેશ સિંહને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અરજી દાખલ કર્યા બાદ ૧૪મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરવા તૈયારી દર્શાવવામાં આવી છે.

૧૪મી જાન્યુઆરીના દિવસે વિનય અને મુકેશની ક્યુરેટિવ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે ૨૨મી જાન્યુઆરીના દિવસે ચારેય અપરાધીઓને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરંટ જારી કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બેંચે વિનય અને મુકેશની ક્યુરેટિવ અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી કરી છે. આ બેંચમાં જસ્ટિસ રમન્ના, જસ્ટિસ અરુણા મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભુષણના નામ સામેલ છે.

નિર્ભયાના ગુનેગાર વિનય દ્વારા પોતાની ક્યુરેટિવ અરજીમાં પોતાની વયને ધ્યાનમાં લઇને કહ્યું છે કે, કોર્ટે આ પાસાને ફગાવી દીધો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજી કરનારની સામાજિક અને આર્થિક સ્થિતિ તેમના બિમાર માતા-પિતા સહિત પરિવારના આશ્રિતો તથા જેલમાં તેમના સારા વર્તન અને તેમાં સુધારાની સંભાવનાના પાસા ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી જેથી તેમની સાથે ન્યાય થયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.