Western Times News

Gujarati News

કિસાન પેન્શન યોજના હેઠળ ખેડૂતોને ૩૦૦૦ રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે

અમદાવાદ, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુ જેબલીયાએ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવાયેલા ખેડુતહિતના નિર્ણયોને આવકારતાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃએકવાર દેશનું નેતૃત્વ સંભાળતાની સાથે જ કેન્દ્ર સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં દેશભરના ખેડુતોને આપેલા વચનો પૂરા પાડતા નિર્ણયો લઇ ફરી એકવાર સાબિત કર્યુ છે કે આ સરકાર ગામડું – ગરીબ અને કિસાનોની સરકાર છે. આ પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડુતલક્ષી મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ૧૨.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવતાં હતા, જેને બદલે હવે દેશના તમામ ખેડુતોને આવરી લેતાં દેશના તમામ ૧૪.૫ કરોડ ખેડુતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ યોજના હેઠળ કુલ દર વર્ષે ૭૫ હજાર કરોડને બદલે હવે ૮૭,૨૧૭ કરોડ રૂપિયા દેશભરના ખેડુતોને ચૂકવવામાં આવશે. જેબલીયાએ જણાવ્યુ હતુ કે, ચૂંટણીમાં આપેલ વચન મુજબ કેન્દ્ર સરકારે નાના તથા સિમાંત ખેડુતો માટેની પેન્શન યોજનાને પણ મંજુરી આપી દીધી છે.

જે અંતર્ગત દેશભરના ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ રૂપિયા પેન્શન પ્રતિ માસ આપવામાં આવશે. આ ખેડૂત પેન્શન યોજના અંતર્ગત આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને દેશના આશરે ૧૩ કરોડ ખેડુતોને તેનો લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશનું સુકાન સંભાળતાની સાથે જ કેન્દ્રની પ્રથમ કેબીનેટ બેઠકમાં ખેડુતોને આપેલા વચનો પૂર્ણ કરતાં મહત્વના નિર્ણયો લઇ દેશના ખેડુતોની ચિંતા કરી છે તે બદલ હું ગુજરાતભરના તમામ ખેડુતો વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રીમંડળનો હદયપૂર્વક આભાર માનું છું. લોકસભા ચૂંટણીઓમાં અભૂતપૂર્વ જનાદેશ પ્રાપ્ત કરી પુનઃ એકવાર દેશના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્ર મોદીને હદયપુર્વક શુભકામનાઓ પાઠવતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અવિરતપણે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તેમજ નવા ભારતનો સંકલ્પ સિધ્ધ થશે તેવો કરોડો દેશવાસીઓનો અતૂટ વિશ્વાસ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગૃહમંત્રીની જવાબદારી સંભાળનાર ગુજરાતના પનોતાપુત્ર અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતાં વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશવાસીઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપની કુનેહ, સુઝબુઝ અને વર્ષોના અનુભવનો લાભ દેશને મળશે તેમજ રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સૌનો સાથ, સૌનો વિકાસની સાથે સૌની સુરક્ષા પણ વધુ સુદ્રઢ બનશે અને રાષ્ટ્રના વિકાસની ગતિ વધુ તેજ બનશે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી બનવા બદલ તેમજ સાંસદ મનસુખ માંડવીયાને શિપિંગ મંત્રાલય (સ્વતંત્ર હવાલો) તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગના રાજ્ય મંત્રી બનવા બદલ હદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં કરાયેલા નિર્ણયોને આવકારતાં વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી સરકારની પ્રથમ કેબિનેટના નિર્ણયો દેશની સુરક્ષા કરનાર જવાનો અને અન્નદાતા એવા ખેડૂતોને સમર્પિત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે દેશના તમામ ખેડૂતોને આવરી લેવાશે અને પ્રતિ વર્ષ છ હજાર રૂપિયા સન્માન નિધિ આપવામાં આવશે.

આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના દુકાનદારો માટે ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજારનું પેન્શન મળે તેવું આયોજન પણ કરવામાં આવ્યુ છે. દેશની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોના સંતાનોની શિષ્યવૃત્તિમાં ૨૫ થી ૩૩ ટકા સુધીનો વધારો કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વનું કાર્ય કર્યું છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને માસિક ૨૦૦૦ ની જગ્યાએ ૨૫૦૦ રૂપિયા તેમજ વિદ્યાર્થીનીઓને ૨૨૫૦ રૂપિયાની જગ્યાએ માસિક ૩૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં કરાયેલા નિર્ણયો નરેન્દ્ર મોદીની દેશના જવાનો અને ખેડૂતોના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.