Western Times News

Gujarati News

શહેરભરમાં પતંગના વહેપારીઓ પર દરોડા

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ) અમદાવાદ: લોકોમાં સૌથી વધુ લોકપ્રિય ઉત્તરાયણના તહેવારને ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે તેની ઉજવણી માટે આજે ઉત્તરાયણની પૂર્વ રાત્રિ સુધી પતંગ બજારોમાં ભારે ભીડ જાવા મળશે. બીજીબાજુ ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક વહેપારીઓ ગેરકાયદેસર રીતે ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલો વેચતા હોવાથી પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગઈકાલે રાતભર પતંગ વેચતા વહેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કાલુપુર પોલીસે એક શખ્સને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો છે.

આવતીકાલ તા.૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે પરંતુ વાતાવરણમાં આવેલા પલ્ટાથી પતંગ રસિયાઓ મુંઝવણમાં મુકાયા છે. હવામાન વિભાગે તા.૧૪મીએ પણ માવઠાની આગાહી કરી હોવાથી પતંગ રસિયાઓ તથા ખેડૂતો ચિંતિત બન્યા છે  ત્યારે સમગ્ર રાજયમાં આવતીકાલે પણ વાદળછાયુ વાતાવરણ જાવા મળશે જાકે હવામાન વિભાગે પતંગ ચડાવવા માટે પ્રમાણસર પવન ફુંકાવવાની આગાહી કરતા પતંગ રસિયાઓમાં ઉત્સાહ જાવા મળી રહયો છે.

આજે ઉત્તરાયણના આગલા દિવસે સવારથી જ પતંગ બજારમાં પતંગ દોરી ખરીદવા માટે પતંગ રસીયાઓની ભીડ જાવા મળી રહી છે. શહેરના દિલ્હી દરવાજા તથા કાલુપુર બજારમાં બપોર બાદ વધુ ભીડ જાવા મળશે જેના પગલે પોલીસતંત્ર પણ એલર્ટ થયેલું છે. શહેરના દિલ્હી દરવાજા બહાર આવેલા પતંગ બજારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સવારથી જ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાજયભરમાં ચાઈનીઝ બનાવટની દોરી અને તુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે જેના પગલે પોલીસતંત્ર દ્વારા છેલ્લા ૧પ દિવસથી વોચ રાખવામાં આવતી હતી અને તેમાં કેટલાક વહેપારીઓ પકડાયા પણ છે. ગઈકાલે રાત્રે શહેરભરના વહેપારીઓને ત્યાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક સ્થળોએથી ચાઈનીઝ બનાવટની દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે.

શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડી આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા વહેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપેલો છે જેના પગલે ગઈકાલે રાત્રે શહેરભરમાં પોલીસે તપાસ કરી હતી આ ઉપરાંત આજે પણ આ કામગીરી કરવામાં આવશે. ગઈકાલે રાત્રે શહેરના કાલુપુર વિસ્તારમાં કાલુપુર પોલીસ દ્વારા વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક શખ્સ પાસેથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો પકડાયો હતો. ઉત્તરાયણ પહેલા ગઈકાલે અંતિમ રવિવાર હોવાથી રજાના આ દિવસે શહેરના કોર્ટ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પતંગો ચગ્યા હતા આ દરમિયાન શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં પતંગ ચગાવવાની બાબતમાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી જેના પરિણામે ચાર શખ્સોઅ ેહથિયારો સાથે ધસી જઈ એક યુવક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણના તહેવારના દિવસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર સજ્જ બની ગયું છે અને તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આજ સવારથી જ આ તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરી દેવાયુ છે જયારે કેટલાક સ્થળો પર ધાબા પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.