Western Times News

Gujarati News

ગુજરાતના ગામડાઓને સ્માર્ટ અને આદર્શ બનાવીને મહાત્મા ગાંધીની વિચારધારાને સાકાર કરવી છે : રૂપાણી

શહેરોના લોકોને પણ ગામડાઓમાં રહેવાનું મન થાય તેવી સુવિધાઓ ગામડાઓમાં રાજ્ય સરકાર ઊભી કરી રહી છે : બાદલપરાના લોક સેવક ધાનાભાઇ બારડ અને બારડ પરિવારનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય – સમર્પણ સૌને પ્રેરણા આપે છે : ગીર સોમનાથનું બાદલપરા  ગુજરાતનું આદર્શ અને રળિયામણું ગામ બન્યું : તેના મૂળમાં સમરસતા અને મહિલાઓનું નેતૃત્વ છે:- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામા લોકસેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ અને બારડ પરિવાર દ્વારા નિર્મિત લોકસેવાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત  અને લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગિર સોમનાથનું બાદલપરા આજે તેની સુવિધાઓ અને  સગવડો અને સામૂહિક વિકાસના સહિયારા પ્રયાસ તથા  સમરસતાને લીધે સમગ્ર ગુજરાતને નવી દિશા આપી રહ્યું છે .

અમારી સરકાર વિકાસની રાજનીતિમાં માને છે તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગમે તે પક્ષ હોય પણ જો સહિયારા પ્રયાસથી પ્રજાનું કલ્યાણ થતું હોય તેને અમે આવકારીએ છીએ. સૌનો સાથ અને સૌનો વિકાસ તેમજ સમરસ  ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતમાં એક નવી દિશા ચીંધી હતી અને આપણે એ માર્ગે આગળ વધી રહ્યા છીએ.

ગીર સોમનાથનું બાદલપરા વર્ષોથી સંપૂર્ણ સ્વચ્છ અને આદર્શ ગામ છે. ગામમાં લોકોના સહિયારા પ્રયાસથી હરિયાળી છે .પાણીનું જતન થઈ રહ્યું છે. અને ગ્રામ પંચાયતમાં બહેનો બેઠી છે. મહિલાઓનું મેનેજમેન્ટ પાવરફુલ હોય છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ બાદલપરામાં જોવા મળતી સુવિધાઓ અને સગવડો અંગે ગ્રામ પંચાયતની બહેનોની ટીમ અને બારડ પરિવારને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બાદલપરા જેવા ગુજરાતના આદર્શ અને મોડેલ ગામોને એક મંચ પર લાવી અન્ય ગામોના હોદ્દેદારો અને લોકો આવા આદર્શ ગામોની મુલાકાત લે અને દરેક ગામોમાં આવી સુવિધા ઊભી થાય તે માટે સહિયારા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મહાત્મા ગાંધીની ગ્રામોત્થાનની વિચારધારા અને સરદાર વલ્લભભાઈ પટેલની ગામડા પ્રત્યેની આગવી વિચારધારાને સાકાર કરવી છે તેમ પણ જણાવ્યું હતું. શહેરોના લોકોને પણ ગામડામાં રહેવાની ઈચ્છા થાય અને લોકો ગામડા તરફ પણ વળે તેમજ શહેરીકરણ પર ભાર ઘટે તે માટે આપણે લોકભાગીદારીથી સહિયારા પ્રયાસ કરી રહ્યા છીયે અને તે દિશામાં આપણને ચોક્કસ સફળતા મળશે તેવો આશાવાદ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ફીટ ઇન્ડિયા અભિયાન અને લોકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી બિમાર જ ન પડે તે માટે વેલનેસ અને હેલ્થ સેન્ટર આજની જરૂરિયાત હોવાનુ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં અનેરી તાકાત છે તેમ જણાવી તેને પાણી મળે તો દુનિયાની ભૂખ ભાંગી નાખે તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ હવે આગામી સમયમાં નર્મદાના પાણીથી ૧૧૫ ડેમ છલકાવી દેવાશે અને આપણે ત્યાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે. ગીરની હિરણ નદી ના ૧૧ કિમી વિસ્તારમાં થી પાણીનો કાપ દૂર કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરી દેવામાં આવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે તેમાં સરકારને એક પણ પૈસાનો ખર્ચ થવાનો નથી અને કંપનીઓના સહકારથી આ કાર્ય આગામી ઉનાળામાં શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર ગુજરાતમાં આ રીતે નદીઓને ઉંડી ઉતારવાનું આપણું આયોજન છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના આહિર સમાજના ત્રણ લોક સેવક શ્રી ધાનાભાઇ માંડાભાઇ બારડ ,શ્રી હેમંતભાઈ માડમ અને શ્રી પેથલજીભાઈ ચાવડાના લોકસેવાના યોગદાનને યાદ કરી તેમના વારસદારો આ લોકસેવાને આગળ ધપાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે શ્રી ધાનાભાઇએ સામી છાતીએ ગોળીઓ ઝીલીને  પ્રજા માટે જીવન સમર્પિત કરી દીધું હતું . તેઓએ જશુભાઇ બારડને પણ યાદ કરીને હાલ ભગવાનભાઇ બારડ  પણ આ સેવા કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું .

મુખ્યમંત્રીશ્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ડિઝિટલ તકતીથી ખાત મુહુર્ત કર્યું હતું. આ ઉપરાંત શહિદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્ટર, જશુભાઈ બારડ આદર્શગ્રામ બાદલપરા પ્રવેશદ્રાર, રાહુલ રામભાઈ બારડ, આદર્શ ગામ સમાજવાડી, સાર્વજનિક વાંચનાલય અને બાળ ક્રિડાંગણનું લોકાર્પણ કરી આ તમામ પ્રકલ્પોની સુવિધાનું મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. હેલ્થ અને વેલનેશ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કહ્યું કે, બાદલપરા ગામ મહિલા સશક્તિકરણનું આદર્શ ઉદાહરણ છે. વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે, વટવૃક્ષ જેવા આ ગામનો છાયો બધાને મળે તે આશા વ્યક્ત કરી શહેરનો નાગરિક અહિયા રહેવા માટે પ્રેરાય તેવું આ ગામ છે. ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, પુર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાગવત્તાચાર્યશ્રી મહાદેવપ્રસાદ મહેતાએ પ્રાસંગિક વકત્વ આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં તાલાળાના ધારાસભ્યશ્રી અને બાદલપરાના વતની ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેઓએ બાદલપરામાં ઉપલબ્ધ સુવિધાની મુખ્યમંત્રીશ્રીને જાણકારી આપી સરકારના સાયકલોન સેન્ટર માટે બે વિધા જમીનના ભુમિદાનનો પત્ર મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. તેઓએ સૌ મહેમાનોને પણ આવકાર્યા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને પુનમબેન માડમ, રાજ્યબીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોધંરા, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, શ્રી અમરીશભાઈ ડેર, શ્રી ભીખાભાઈ જોશી,  શ્રી હર્ષદભાઈ રીબડીયા, શ્રી બાબુભાઈ વાજા, નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, પુર્વ મંત્રીશ્રી જશાભાઈ બારડ, ઝવેરીભાઈ ઠકરાર, ગોવિંદભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.