ભારત તેના (અમેરિકા) રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં: ટ્ર્મ્પની સ્પસ્ટતા

File Photo
ભારત અમેરિકા પાસેથી ફાઈટર જેટ એફ-૩૫ ખરીદશે -ટેરિફથી બચવાની ટ્રમ્પની કોઈ ગેરંટી નહીં
(એજન્સી)વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેરિકામાંથી એફ-૩૫ લડાકૂ વિમાનો સહિત ઓઈલ એન્ડ ગેસ, ડિફેન્સ હાર્ડવેર પ્રોડક્ટ્સની ખરીદી વધારશે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટતા આપી છે કે, ભારત તેના (અમેરિકા) રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં.
બંને દિગ્ગજ નેતાઓએ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે ગેરકાયદે વસતા ભારતીયોને પરત વતન મોકલવા, ૨૬/૧૧ના હુમલાનો ફરાર આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ કરવાનું વચન આપ્યું છે.
ટ્રમ્પે અપેક્ષા વ્યક્ત કરી છે કે, ભારત અમેરિકાના માલ-સામાન પર ટેરિફ તર્કસંગત બનાવશે. તેમજ ડિફેન્સની ખરીદીમાં વ્યાપકપણે સહયોગ આપતાં ભારતને સ્ટીલ્થ ફાઈટર જેટ એફ-૩૫ વેચવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની રેસિપ્રોકલ ટેરિફ પોલિસીના કારણે ભારત અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવા વિચારણા કરી શકે છે. પીએમ મોદી સાથેની મુલાકાત પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો.
બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘કોઈ ફરક પડતો નથી કે, તે ભારત હોય કે, અન્ય કોઈ દેશ, અમે એટલો જ ટેરિફ લાદીશું જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે. ભારતથી આયાત થતી ચીજો પર પણ એટલો જ ટેરિફ લાદવામાં આવશે, જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે.’
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલાં જ ભારતે અયોગ્ય અને ઊંચા ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે, ભારત જેટલો પણ સામાન અન્ય દેશો પાસેથી ખરીદે છે, તેના પર ૧૪ ટકા ટેરિફ લાદે છે, જ્યારે ચીન ૬.૫ ટકા અને કેનેડા ૧.૮ ટકા ટેરિફ લગાવે છે. ટ્રમ્પે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતના અન્યાયી ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ ૧૦૦ અબજ ડોલર છે, વડાપ્રધાન મોદી અને હું સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલતા અસંતુલનને દૂર કરવા માટે સંકલન કરીશું જેને છેલ્લા ચાર વર્ષમાં દૂર કરવાની જરૂર હતી.’ અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ એફ-૩૫ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે એફ-૩૫ ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેમનો દેશ ભારતને એફ-૩૫ ફાઇટર પ્લેન પૂરા પાડશે. ભારત સાથે સંરક્ષણ સહયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે ભારતને ટૂંક સમયમાં એફ-૩૫ ફાઇટર જેટ પૂરા પાડવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ સહયોગને વધુ વધારશે.
સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ વર્ષથી અમે ભારતને અનેક અબજ ડોલરના સૈન્ય શસ્ત્ર સરંજામના વેચાણમાં વધારો કરીશું. તેમણે કહ્યું કે લોકહીડ માર્ટિન એફ-૩૫ લાઈટનિંગ પણ ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવશે. એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાની ૧૫મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.