અમેરિકા પર વળતો ટેરિફ નાંખવા ભારતની ચેતવણી

File Photo
ભારત સ્ટીલ-એલ્યિમિનિયમ પર અમેરિકાના ટેરિફ સામે WTOમાં
નવી દિલ્હી, ભારતે ઈંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી હવે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી છે. આવા સમયે એક નવી તંગદિલી ઊભી થઈ છે. ભારતે ડબલ્યુટીઓને અમેરિકાથી આયાત થતા ૭.૬ અબજ ડોલરના મૂલ્યના સામાન પર ટેરિફ નાંખવાની ચેતવણી આપી છે. અમેરિકાએ ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ નાંખવાના જવાબમાં ભારતે આગામી ૩૦ દિવસના સમયમાં આ રેસિપ્રોકલ ટેરિફ નાંખવાની દરખાસ્ત કરી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ દુનિયાના દેશો પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું હતું. ટ્રમ્પે ભારતમાંથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ પગલાં સામે ભારતે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)માં અપીલ કરી હતી.
ભારતે ડબલ્યુટીએને પાઠવેલા એક સંદેશામાં કહ્યું છે કે તે ટેરિફના કારણે પોતાના વેપારને થયેલા નુકસાન જેટલો જવાબી ટેરિફ લગાવી શકે છે અને તેથી ભારત અમેરિકાના કેટલાક સામાન પર ટેરિફ વધારશે.ડબલ્યુટીઓ મુજબ અમેરિકન ટેરિફના કારણે ભારતના ૭.૬ અબજ ડોલરના સામાનની આયાત પર અસર થશે, જેનાથી ૧.૯૧ અબજ ડોલરનો ટેરિફ આવશે.
તેના જવાબમાં જેવા સાથે તેવાની રણનીતિ અપનાવતા ભારતે અમેરિકાથી આયાત થતા કેટલાક સામાનો પર એટલો જ ટેરિફ નાંખવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ નોટિસ મારફત ભારતે વૈશ્વિક વેપાર સંગઠનને કહ્યું કે, તે અમેરિકાના વિશેષ સામાનો ઉપર અપાતી છૂટને ખતમ કરી રહ્યા છે અને તેના ઉપર આયાત જકાત વધારશે. રિપોર્ટ મુજબ ભારત સફરજન, બદામ, અખરોટ, નાસપતિ, રસાયણ સહિત ૨૯ વસ્તુઓ પર આયાત જકાત વધારી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારતે ડબલ્યુટીઓને કહ્યું છે કે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનોની આયાત પર અમેરિકા દ્વારા સુરક્ષા ઉપાયો લાગુ કરાયા છે, પરંતુ તેને વિશ્વ વેપાર સંગઠને નોટિફાઈ કર્યા નથી. ભારતનું કહેવું છે કે અમેરિકા દ્વારા લેવાયેલું પગલું જીએટીટી ૧૯૯૪ અને એઓએસને અનુરૂપ જરા પણ નથી. એટલું જ નહીં કલમ ૧૨.૩, એઓેસ હેઠળ ચર્ચા નથી થઈ.
તેથી ભારત આર્ટિકલ ૮, એઓએસ હેઠળ છૂટને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.અમેરિકાએ વર્ષ ૨૦૧૮માં અમેરિકાથી આયાત થતા સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ટેરિફ લગાવ્યા હતા. આ ટેરિફ ૨૩ માર્ચ ૨૦૧૮થી લાગુ થયા હતા. તેના જવાબમાં ભારતે જૂન ૨૦૧૯માં બદામ, અખરોટ સહિત ૨૮ અમેરિકન સામાનો પર ટેરિફ લગાવ્યા હતા અને ટબલ્યુટીઓમાં ફરિયાદ કરી હતી.
વાણિજ્ય અને વેપાર મંત્રી પીયુષ ગોયલના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ)ને આગળ વધારવા માટે ચાર દિવસની મુલાકાતે ૧૭ મેએ અમેરિકા જવાની છે. આ મુલાકાત દરમિયાન પીયુષ ગોયલ અમેરિકન વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) જેમીસન ગ્રીર અને અમેરિકન વાણિજ્ય મંત્રી હોવાર્ડ લુટનિક સાથે કરાર પર વાતચીત કરશે.