Western Times News

Gujarati News

અમારે ઉપદેશકોની જરૂર નથી, સાથીદારની જરૂર છેઃ જયશંકર

જયશંકરે કહ્યું કે, અમારી પાસે બે આકરા પાડોશી છે. ચીન અને પાકિસ્તાન.

ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટલે કે સાથીદારોની જરૂર છે, નહીં કે ઉપદેશકોની.

યુરોપિયન યુનિયન પહેલાં વાસ્તવિકતા પર નજર કરે અને બાદમાં અમને ઉપદેશ આપે. યુરોપની તકલીફો વિશ્વની સમસ્યા છે, પરંતુ વિશ્વની તમામ સમસ્યાઓ યુરોપની નથી. યુરોપ માને છે કે, જે તેનું છે તે તેનું જ છે અને અમારા પર પણ તેનો હક છે. ખરેખર યુરોપે પોતાની આ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ.

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી મુદ્દે યુરોપિયન યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કાજા કલાસે તણાવ શાંતિથી ઉકેલવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ યુરિપિયન દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી મોસ્કો માટે પડકારો ઉભા કરી રહ્યું છે.

કિવને જરૂરી સૈન્ય અને આર્થિક સહાય આપી રહ્યું છે. યુરોપના આ બેવડા વલણ પર જયશંકરે આકરા પ્રહારો કર્યા હતા કે, યુરોપના દેશો બીજા વિશ્વ યુદ્ધ બાદથી સ્થિરતા અને શાંતિ રાખી રહ્યા છે. ખાસ કરીને ૧૯૯૧-૯૨ બાદથી વધુ સારી સ્થિતિમાં છે. તમે તો આતંકવાદનો ઈનકાર કરતાં આવ્યા છો. પરંતુ અમે સતત આઠ દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.

તમે જે સત્ય જોઈને જાગ્યા છો, તેનો અમે વર્ષોથી સામનો કરી રહ્યા છીએ. જયશંકરે કહ્યું કે, અમારી પાસે બે આકરા પાડોશી છે. ચીન અને પાકિસ્તાન. અમે પાકિસ્તાન તરફથી આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ મને લાગે છે કે, યુરોપિયન દેશો અમારી આ સમસ્યાઓને નજરઅંદાજ કરતાં આવ્યા છે. ચીન પણ અમારી સરહદોમાં ઘૂસણખોરી કરી અવળચંડાઈ કરી રહ્યું છે.

આ મુદ્દે એક પત્રકારે તેમને પૂછ્યું કે, જો પાકિસ્તાન અને ચીન સાથેનો તણાવ દૂર કરવામાં આવે તો ત્રણેય દેશ ઝડપથી આગળ વધશે. જેના પર જયશંકરે જવાબ આપ્યો કે, તમે યુરોપમાં બેઠા હોવાથી તમને લાગી રહ્યું છે કે, આ સમસ્યા સરળતાથી ઉકેલાઈ શકે છે. પરંતુ ભારતે હંમેશા સુરક્ષાના પડકારોનો સામનો કર્યો છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.